રાજકોટમાં આગામી લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટના લોકમેળામાં આ વખતે લોકો માટે વિવિધ આકર્ષણો જોવા મળશે. મેળાના સ્થળે રાઈડ સહિતની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગગનચુંબી રાઈડ લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી શક્યતા છે.

આ વર્ષે રાજકોટના લોકમેળાનું આયોજન ‘વિરાસતથી વિકાસ’ થીમ સાથે કરવામાં આવી રહ્યું છે. આગામી 2 તારીખથી 6 તારીખ સુધી સતત પાંચ દિવસ સુધી ભવ્ય લોકમેળો યોજાશે. મેળામાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા છે. વહીવટી તંત્રના અંદાજ મુજબ પાંચ દિવસ દરમિયાન 15 લાખથી વધુ મેળાના માણિગરો રાજકોટમાં પહોંચે તેવી શક્યતા છે.

13 સરકારી વિભાગો દ્વારા તૈયારીઓને આખરી ઓપ

લોકમેળાને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. સરકારના અલગ-અલગ 13 વિભાગો દ્વારા મેળા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેળાના સ્થળે સુરક્ષા, ટ્રાફિક, વીજળી, પાણી, આરોગ્ય, સફાઈ સહિતની વ્યવસ્થાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

મેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોવાથી પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 2000થી વધુ પોલીસ જવાનો મેળા દરમિયાન ફરજ પર રહેશે. ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અલગ-અલગ પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાની રંગત

રાજકોટના લોકમેળામાં માત્ર રાઈડ અને મનોરંજન જ નહીં પરંતુ ગુજરાતની લોકસંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. પાંચ દિવસ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવનાર હોવાથી મેળાના માહોલમાં ગુજરાતી લોકસંગીત અને સંસ્કૃતિની રંગત જોવા મળશે.

વરસાદ વચ્ચે મેળાની તૈયારી, પાણી ભરાવાની સમસ્યા ટાળવા ખાસ આયોજન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે લોકમેળાનું આયોજન હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આગોતરી તૈયારી કરવામાં આવી છે. મેળાના સ્થળે વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે ગ્રીડ નાખવાની કામગીરી કરવામાં આવી છે. વરસાદ પડે તો પણ મેળામાં આવતા લોકોને મુશ્કેલી ન પડે તે માટે પાણીના નિકાલની વ્યવસ્થા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

મેળાના દિવસોમાં સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેના કારણે વહીવટી તંત્ર દ્વારા વરસાદને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી રહી છે.

રાઈડની મંજૂરી માટે પ્રક્રિયા શરૂ

મેળામાં ઊભી કરવામાં આવેલી વિવિધ રાઈડને મંજૂરી આપવા માટે અલગ-અલગ વિભાગો દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાઈડની સુરક્ષા અને જરૂરી માપદંડોની ચકાસણી બાદ મંજૂરી આપવામાં આવશે. મેળામાં મોટી સંખ્યામાં લોકો રાઈડનો આનંદ માણવા પહોંચતા હોવાથી રાઈડની સલામતીને લઈને તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

આ વખતે લોકમેળામાં એક મોટો ફેરફાર પણ જોવા મળશે. વર્ષો બાદ રાજકોટના લોકમેળામાં ‘મોતનો કૂવો’ જોવા નહીં મળે. લોકમેળામાં આવતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું આકર્ષણ નહીં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એક તરફ ગગનચુંબી રાઈડ સહિતના મનોરંજનના સાધનો મેળાનું આકર્ષણ વધારશે, તો બીજી તરફ ‘વિરાસતથી વિકાસ’ થીમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરા રાજકોટના લોકમેળાને વિશેષ બનાવશે. હવે આગામી દિવસોમાં તૈયારીઓને અંતિમ ઓપ આપી મેળો સમયસર શરૂ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.