ગુજરાતમાં ચોમાસું નબળું રહેતા અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી હોવાનો દાવો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત પગલાં ભરવાની માંગ કરી છે.

અમિત ચાવડાના જણાવ્યા મુજબ, વરસાદની અછત સાથે ખેતીના વધતા ખર્ચ અને પાકના યોગ્ય ભાવના અભાવે ખેડૂતો પર આર્થિક ભાર વધ્યો છે. તેમણે સરકારને નિયમ મુજબ પાત્ર વિસ્તારોને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અપીલ કરી છે.

ખેડૂતો માટે પાક ધિરાણ અને વીજ બિલ માફ કરવાની માંગ

કોંગ્રેસે ખેડૂતોને રાહત આપવા માટે ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ખેડૂતોનું ચાલુ વર્ષનું વીજ બિલ પણ માફ કરવાની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસના જણાવ્યા મુજબ, ખેડૂતોને માત્ર આર્થિક સહાય જ નહીં પરંતુ પશુપાલકો માટે ઘાસચારો અને રાહત કામગીરીની પણ તાત્કાલિક જરૂર છે.

7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા કેન્દ્રો ખોલવાની માંગ

દુષ્કાળની સ્થિતિ સર્જાય તેવા વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કોંગ્રેસે નિયમ મુજબ 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરવાની માંગ કરી છે.સાથે જ દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં નિયમ મુજબ પાંજરાપોળ શરૂ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.

સૌની યોજના હેઠળ ડેમોમાં પાણી ભરવાની માંગ

કોંગ્રેસે સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની ઉપલબ્ધતા વધારવા માટે સૌની યોજના અંગે પણ સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે.પક્ષની માંગ છે કે સૌની યોજના હેઠળ પાણી ભરવાની જોગવાઈ ધરાવતા સૌરાષ્ટ્રના ડેમોને તાત્કાલિક પાણીથી ભરવામાં આવે, જેથી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યામાં રાહત મળી શકે.

ખેડૂતો અને ખેતમજૂરો માટે રાહત કામો શરૂ કરવાની માગ

વરસાદની અછતથી ખેતી આધારિત રોજગારી પર અસર થવાની શક્યતા વચ્ચે કોંગ્રેસે ખેડૂતો, ખેતમજૂરો અને નાના રોજમદારો માટે રાહત કામો શરૂ કરવાની માંગ કરી છે.

આ ઉપરાંત ગામડાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં નિયમિત શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.

અમિત ચાવડાનો સરકાર પર પ્રહાર

અમિત ચાવડાએ રાજ્ય સરકારના નેતાઓના પ્રવાસ અને પ્રચારને લઈને પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ખેડૂતની સમસ્યાઓને પ્રાથમિકતા આપે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ જમીની સ્થિતિ સમજે.તેમણે સરકારને ખેડૂતના ખેતરે જઈ વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાની અપીલ કરી હતી.

કોંગ્રેસે સરકાર સમક્ષ મૂકી 8 મુખ્ય માંગ

કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગોમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની જાહેરાત, સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી ભરવું, પાક ધિરાણ માફ કરવું, ઘાસચારા કેન્દ્રો શરૂ કરવા, પાંજરાપોળની વ્યવસ્થા, વીજ બિલ માફ કરવું, રાહત કામો શરૂ કરવું અને નિયમિત પીવાનું પાણી પૂરું પાડવાનો સમાવેશ થાય છે.

7 સપ્ટેમ્બરે આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત

ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ જયેશ પટેલે જણાવ્યું હતું કે ઓછા વરસાદથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર અસર પડી રહી છે. તેમના જણાવ્યા મુજબ, ઓછા વરસાદવાળા જિલ્લાઓ અને તાલુકાઓમાં ખેડૂતોને રાહત અને ન્યાય મળે તે માટે 7 સપ્ટેમ્બર 2026ના રોજ આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.

કિસાન કોંગ્રેસના અગ્રણી પાલભાઈ આંબલિયાએ પણ સૌની યોજના અને ડેમોમાં પાણીની ઉપલબ્ધતાને લઈને સરકાર પાસે જવાબ માંગ્યો હતો. તેમણે ખેડૂતો માટે પાણી, સિંચાઈ અને રાહતના મુદ્દે સરકાર તાત્કાલિક સ્પષ્ટતા કરે તેવી માંગ કરી.

ખેડૂત બચશે તો ખેતી અને ગામડું બચશે: કોંગ્રેસ

કોંગ્રેસે જણાવ્યું છે કે વરસાદની અછતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિનો વાસ્તવિક સર્વે કરીને સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ.

પક્ષનું કહેવું છે કે ખેડૂતોની આવક અને ખેતી પર સંકટ ઊભું થશે તો તેની સીધી અસર ગ્રામ્ય અર્થતંત્ર પર પડી શકે છે. તેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપથી શરૂ કરવાની જરૂર છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો