શ્યામ સેદાણી, બાબરા : અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાંથી સાત મહિનાથી ગુમ થયેલા 20 વર્ષીય યુવકને શોધવામાં બાબરા પોલીસને સફળતા મળી છે. પોલીસે ટેક્નિકલ તપાસ અને હ્યુમન સોર્સની મદદથી યુવકને આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતેથી શોધી કાઢી પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, બાબરા તાલુકાના ગલકોટડી ગામનો રહેવાસી હર્ષભાઈ મનસુખભાઈ નવાપરિયા છેલ્લા સાત મહિનાથી ગુમ હતો. યુવકનો કોઈ પત્તો ન મળતાં બાબરા પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નંબર 22/2026 હેઠળ નોંધ કરવામાં આવી હતી. લાંબા સમયથી પુત્રની રાહ જોઈ રહેલા પરિવારજનો માટે આ સમય ચિંતાજનક બની રહ્યો હતો.
યુવકને શોધવા માટે બાબરા પોલીસની સર્વેલન્સ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન ટેક્નિકલ માધ્યમો અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને પોલીસ ટીમે યુવકનું પગેરું મેળવ્યું હતું. અંતે આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતેથી હર્ષભાઈને શોધી કાઢવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરી ભાવનગર રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. ઓસુરાની ટીમે સંકલન અને સતત પ્રયાસો દ્વારા ગુમ યુવકને શોધવામાં સફળતા મેળવી હતી.

સાત મહિનાથી ગુમ યુવક હેમખેમ મળી આવતાં પરિવારજનોમાં રાહત અને ખુશીનો માહોલ છવાયો હતો. બાબરા પોલીસની આ કામગીરીને કારણે એક પરિવારને લાંબા સમય બાદ પોતાના સ્વજન સાથે ફરીથી મળવાનો અવસર મળ્યો છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







