અમરેલી: દિવાળીના તહેવાર પહેલાં અમરેલી શહેરના વૃદ્ધો અને ગંગા સ્વરૂપા બહેનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમરેલી શહેર મામલતદાર કચેરી દ્વારા રાજ્ય સરકારની બે કલ્યાણકારી યોજનાઓ હેઠળ કુલ 43 નવા લાભાર્થીઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. લાભાર્થીઓને સહાયના મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવતાં તેમના જીવનમાં આર્થિક સુરક્ષાની નવી આશા જાગી છે.
અમરેલી શહેર મામલતદાર કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ વૃદ્ધ અને નિરાધાર આર્થિક સહાય યોજના હેઠળ આ કામગીરી કરવામાં આવી છે. દિવાળીના પર્વ પહેલાં જરૂરિયાતમંદ નાગરિકોને યોજનાનો લાભ મળી રહે તે માટે કચેરી દ્વારા નવી અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવ્યો હતો.
અમરેલી શહેરના મામલતદાર કે.કે. દવેના જણાવ્યા અનુસાર, વૃદ્ધ અને નિરાધાર આર્થિક સહાય યોજના હેઠળ મળેલી 29 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 14 અરજીઓને લીલી ઝંડી આપવામાં આવી છે. આમ, બંને યોજનાઓ હેઠળ કુલ 43 નવા લાભાર્થીઓને મંજૂરી હુકમો આપવામાં આવ્યા છે.
દર મહિને મળશે રૂ. 1,000 અને રૂ. 1,250ની સહાય
મંજૂરી મળ્યા બાદ વૃદ્ધ અને નિરાધાર આર્થિક સહાય યોજનાના પાત્ર લાભાર્થીઓને દર મહિને રૂ. 1,000ની આર્થિક સહાય મળશે. જ્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ પાત્ર બહેનોને દર મહિને રૂ. 1,250ની સહાય આપવામાં આવશે. આ રકમ વૃદ્ધો અને જરૂરિયાતમંદ બહેનો માટે રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બનશે.
અમરેલી શહેરમાં 5 હજારથી વધુ લાભાર્થીઓને મળી રહ્યો છે લાભ
મામલતદાર કચેરીના આંકડા મુજબ, હાલમાં અમરેલી શહેરમાં વૃદ્ધ અને નિરાધાર આર્થિક સહાય યોજના હેઠળ 2,699 લાભાર્થીઓ સહાય મેળવી રહ્યા છે. જ્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 2,308 બહેનોને આર્થિક સહાયનો લાભ મળી રહ્યો છે.
આ ઉપરાંત, લાભાર્થીઓને યોજનાનો લાભ સતત મળતો રહે તે માટે કચેરી દ્વારા KYC સહિતની જરૂરી પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી રહી છે.
લાભાર્થીઓએ વ્યક્ત કર્યો સંતોષ
વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થી જયેશભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે, તેમણે આશરે દોઢ મહિના પહેલાં વૃદ્ધ સહાય પેન્શન માટે અરજી કરી હતી. તેમની અરજી ટૂંકા સમયમાં મંજૂર થઈ હતી અને ઈ-KYCની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે દર મહિને મળનારી રૂ. 1,000ની સહાય તેમના માટે મોટો આર્થિક આધાર બનશે.
તેવી જ રીતે, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં લાભાર્થી કોકિલાબહેન અનડકે જણાવ્યું હતું કે, દર મહિને મળનારી રૂ. 1,250ની સહાયથી તેમની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. આર્થિક જરૂરિયાતો માટે અન્ય પર નિર્ભર રહેવાની સ્થિતિમાં પણ રાહત મળશે. સમયસર યોજનાનો લાભ અપાવવા બદલ તેમણે મામલતદાર કચેરીના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવાળીના પર્વ પહેલાં જ સહાયના મંજૂરી હુકમો મળતાં લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી ઝડપથી પહોંચે તે માટે અમરેલી શહેર મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવેલી આ કામગીરી લોકકલ્યાણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







