એક તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ નવા કપ્પા વેરિઅન્ટના ત્રણ કેસ નોંધાયા છે. રાજ્યમાં ડેલ્ટા, ડેલ્ટા પ્લસ પછી હવે કપ્પા વેરિઅન્ટનો પ્રવેશ થયો છે. નિષ્ણાતો અનુસાર, સંક્રમણ ઝડપથી ફેલાતા નવા વેરિઅન્ટ પણ સર્જાય છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ ઘાતકી નીવડી હતી ત્યારે હવે ગુજરાતમાં કુલ 3 વેરિઅન્ટ જોવા મળતા સંક્રમણનો ડર વધતો જણાઈ રહ્યો છે.
અમદાવાદની બીજે મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યા હતા જેમાંથી બે સેમ્પલમાં કપ્પા વેરિઅન્ટ જોવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કમ્પા વાયરસ મળ્યો હતો.રાજ્યમાં કોવિડ 19ના SARC-COV-2ના જીનોમ સિકવન્સના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વાયરસના ત્રણ કેસ જોવા મળ્યા છે. જોકે, કપ્પા વેરિઅન્ટ કેટલો ઘાતક છે તે અંગે વૈશ્વિક સ્તરે અભ્યાસ થઇ રહ્યો છે.
ગુજરાતમાં મે માહિનામાં સાબરકાંઠાના તલોદ તાલુકાના 70 વર્ષીય દર્દીમાં કપ્પા વેરિઅન્ટ મળ્યો હતો ત્યાર બાદ 16થી 30 જૂન વચ્ચે ગોધરા અને મહેસાણાના એક એક દર્દી કપ્પા વેરિયન્ટથી સંક્રમિત હોવાનું નિદાન થયું હતું.







