અમદાવાદ: શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. પૂર્વ તેમજ પશ્ચિમ અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડ્યો હતો. થલતેજ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, ગોતામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત એલિસબ્રિજ, જમાલપુર, મણિનગરમાં પણ વરસાદ પડ્યો હતો. મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ અમદાવાદમાં પણ મેઘમહેર થઈ હતી. ત્યારે ધોધમાર વરસાદથી શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

બપોર પછી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ઘાટલોડિયા, ગોતા, એસજી હાઈવે, નારોલ, નરોડા અને બાપુનગરમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરુ થયું છે. અમદાવાદ શહેરના ચાર અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. ઉસ્માનપુરા, મિઠાખળી, કુબેરનગર અને અખબારનગર અંડરપાસને ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે.