રાજકોટઃ તાજેતરમાં યુવકો સાથે યુવતીઓને પણ રીલ્સ બનાવવાની ઘેલછા જાગી છે. અમદાવાદમાં તથ્ય પટેલ અને સુરતમાં સાજન પટેલ ઓવરસ્પીડમાં ગાડી ચલાવી રોબ જમાવતા જોવા મળ્યાં હતા. તથ્યની કારે 9 લોકોનો ભોગ લીધો તો સાજન પટેલના કારણે 5 લોકો ઈજાગ્રસ્ત થયા. આ તસવીર જોઈ લો તમે તેમાં જે યુવતી દેખાય છે તેનુ નામ છે જન્નત મીર. આ યુવતી ઓવરસ્પીડમાં ગાડી ચલાવતા ઝડપાઈ હતી. જો કે તેનો વીડિયો ઘણો જૂનો છે જેના પર કાર્યવાહી કરવામાં આવી છે.
160ની સ્પીડે ગીતના તાલે ચલાવી કાર
પહેલી તસવીર એ સમયની છે જ્યારે આ યુવતી 160ની સ્પીડે કાર ચલાવતી હતી અને બીજી તસવીરમાં એ ઓવરસ્પીડમાં ગાડી ચલાવવા બદલ પોલીસ સ્ટેશનમાં માફી માગે છે ત્યારની છે. આ યુવતી એટલે કે જન્નત મીરનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. જેમાં તે 160ની સ્પીડે ગાડી ચલાવતી જોવા મળી હતી. એક ગીતના તાલે તે ઓવરસ્પીડમાં ગાડી હંકારી રહી હતી. જો કે પોલીસના સાણસામાં આવ્યા બાદ આ યુવતી માફી માગતી દેખાઈ છે. પોલીસે આ યુવતીના વીડિયોના આધારે તેના પર એક્શન લીધુ હતુ. રાજકોટ પોલીસે આ યુવતીનો માફી માગતો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જે તમે અહીં આ સ્ટોરીમાં પણ જોઈ શકો છો.
જો અકસ્માત થયો હોત તો… ?
જોખમી રીતે ગાડી ચલાવવી અને સ્ટંટ કરવા એ ગુજરાતમાં હવે કોઈ નવી વાત નથી મનાઈ રહી. જન્નત મીર નામની યુવતીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો હતો. જે 160ની સ્પીડમાં ગીતના તાલે પોતાની ગાડી હંકારી રહી હતી. તેણે પોતાના ઈન્સ્ટા આઈડી પર પ્રેસ લખ્યુ હતુ. સાથે-સાથે ઓલ મીડિયા કાઉન્સિલ વાઈસ પ્રેસિડેન્ટ પણ લખ્યુ હતું. હવે ખાલી વિચાર કરો જો તથ્યની ગાડી 142ની સ્પીડે હોય અને 9 લોકોનો ભોગ લેવાય ગયો તો આ જન્નતની ગાડીથી અકસ્માત સર્જાયો હોત તો કેટલાનો જન્નતમાં પહોંચાડી દીધા હોત, કારણ કે એ તો 160ની સ્પીડે કાર ચલાવવામાં મસ્ત હતી. આખરે જન્નત મીરની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
‘મારી ભૂલ છે,આઈ એમ સોરી ‘
પોલીસે અટકાયત કર્યા પછી જન્નત મીર પોલીસે પોતાના એકાઉન્ટ પર મુકેલા વીડિયોમાં માફી માંગતી પણ નજરે પડે છે. માફી માંગતા વીડિયોમાં જન્નત મીરે પોતાની ભૂલ સ્વીકારી છે. તેણે કહ્યું કે, મારુ નામ જન્નત મીર છે. સોશિયલ મીડિયામાં મારો વીડિયો બહુ જ વાયરલ થયો છે. જે વીડિયો બહુ જ જૂનો છે, હાલનો વીડિયો નથી. વીડિયોમાં હુ બહુ જ સ્પીડમાં ગાડી ચલાવી રહી છું, તે મારી ભૂલ છે. તેના માટે આઈ એમ સો સોરી. બધાને એમ જ કહેવાનુ છે કે, તમે પણ ધીમે ગાડી ચલાવજો. આપણે અને સામેવાળા બંને સેફ રહીએ તેના માટે સ્લો ડ્રાઈવિંગ જરૂરી છે, ડ્રાઈવિંગ એ શોખ નથી, પણ જવાબદારી છે.







