અમદાવાદઃ રાજ્યમાં નારી સુરક્ષાની વાતો કરતી સરકારને શરમ પણ નથી આવતી પોકળ દાવાઓ કરતા. કારણ કે તાજેતરમાં સરકારે જ સાબિત કર્યું છે કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. ગુજરાતમાં અઢાર વર્ષથી ઓછી ઉમરની દૈનિક 4 દિકરીઓના ગૂમ થવાની ઘટના બને છે તો પાંચ મહિલાઓ પર બળાત્કાર થાય છે. આ આંકડા સરકારે જ લોકસભામાં આપ્યા છે. જેને લઈને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

મહિલા સુરક્ષાને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર
ગુજરાત કોંગ્રેસના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે, સરકાર ના બેટી બચાવોના દાવા પોકળ છે તે સરકારના આંકડાથી સાબિત થાય છે. ગુજરાતમાં પ્રતિ દિવસ 4 અઢાર વર્ષથી નીચેની બાળકીઓ ગુમ થાય છે અને પ્રતિ દિન 5 બળાત્કાર થાય છે. લોકસભાના સરકારે આપેલા જવાબ મુજબ ગુજરાતમાં 5 વર્ષ માં ૭૪૩૦ અઢાર વર્ષથી નીચેની બાળકીઓ ગુમ થાય છે. જો આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ 2021માં 1474, વર્ષ 2020 માં 1345, વર્ષ 2019 માં 1403, વર્ષ 2018 માં 1680 અને વર્ષ 2017 માં 1528 અઢાર વર્ષથી નીચેની બાળકીઓ ગુમ થઈ છે.

આંકડા છૂપાવવામાં સરકાર ચતુર
આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં સરકારે 10/3/2022 ના રોજ આપેલા આંકડા મુજબ ગુજરાતમાં બે વર્ષમાં 3796 બળાત્કાર થયા તેમ દર્શાવવા આવ્યું હતું, અને લોકસભામાં આપેલા આંકડા મુજબ પાંચ વર્ષ માં 2633 બળાત્કારનો આંક આપવા માં આવ્યો છે. વિધાનસભા મુજબ અમદાવાદ શહેરમાં બે વર્ષમાં 729 દુષ્કર્મની ઘટના અને 16 જેટલા સામુહિક દુષ્કર્મની ઘટના તો સુરત શહેરમાં 508 દુષ્કર્મ અને 5 સામુહિક બળાત્કારના કિસ્સા, વડોદરામાં 183 દુષ્કર્મ અને 4 સામુહિક દુષ્કર્મની ઘટના, રાજકોટમાં 145 દુષ્કર્મ અને 7 સલામુહિક બળાત્કારના કિસ્સા, લોકસભામાં ઓછા આંકડા દર્શાવી ગુજરાતમાં બનતી દુષ્કર્મની ઘટનાઓનો આંક છુપાવવા આવી રહ્યો છે. લોકતંત્રના મંદિરમાં જુઠું બોલતા ભાજપના મંત્રીઓ લોકતંત્રને શરમાવે છે. ગુજરાત રાજ્યમાં મહિલા સુરક્ષાનો પ્રશ્ન ચિંતાજનક છે.

મહિલાઓ કેટલી સુરક્ષિત ?
દેશમાં અને આપણે જ્યારે ગુજરાતમાં છીએ ત્યારે ખાસ કરીને ગુજરાતમાં મહિલા કેટલી સુરક્ષિત? આ સવાલ યક્ષ સ્થાને આવીને ઉભો રહે છે. મહિલાઓની સુરક્ષાને લઇને અનેક કાયદા બન્યા છતાં પણ દેશમાં મહિલાની સ્થિતિમાં કોઇ સુધાર નથી આવ્યો. દીકરીઓની સુરક્ષા હંમેશા ખૂબ જ ગંભીર મુદો રહ્યો છે. જેને લઇને કાયદો પણ બનાવવામાં આવ્યો છે. જો કે તેમ છતાં પણ દેશમાં મહિલાઓની લાપતા થવાની ફરિયાદો સતત નોંધાતી રહી છે. ગત સપ્તાહ સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ આંકડો રજૂ કર્યો હતો. જે આંકડા મુજબ 2019થી 2021 સુધીમાં 13.13 લાખથી વધુ યુવતીઓ મહિલાઓ લાપતા થઇ છે.આ મહિલાઓ ક્યાં ગઇ તેમનું શું થયું તે વિશે કોણ જાણકારી પણ નથી મળી.આ લાપતા યુવતીઓમાં 18 વર્ષથી ઓછી અને તેનાથી વધુ ઉમંરની મહિલાઓ સામેલ છે. આંકડા અનુસાર 2,51,430 લાપતા થયેલી મહિલાઓની ઉંમર 18 વર્ષથી ઓછી છે.તો 10,61,648 મહિલાઓની ઉંમર 18થી વધુ છે.