થોડા સમય પહેલા એક ફિલ્મ આવી હતી ગંગુબાઈ કાઠીયાવાડી જેમાં આલિયા ભટ્ટે એક દેહ વ્યાપાર સાથે જોડાયેલી મહિલાની ભૂમિકા ભજવી હતી. આલિયા ભટ્ટને ગુબાઈ કાઠિયાવાડી માટે 69th નેશનલ ફિલ્મ એવોર્ડ 2023 માં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટે એક હકીકત વર્ણવી છે જેમાં પ્રોસ્ટિટ્યૂટ ને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે વાત કરીએ રાજકોટની તો શહેરના ભાવનગર રોડ જેને રેડ લાઈટ એરિયા કહેવામાં આવે છે ત્યાં એક નહી પરંતુ અનેક ગંગુબાઈ રહે વસવાટ કરે છે. આ વિસ્તારમાં પોલીસે દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી છે.

રાજકોટ શહેર ખાતે આવેલ ભાવનગર રોડ રેડ લાઈટ એરિયા તરીકે વર્ષોથી ઓળખાય છે. અહી દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી અનેક મહિલાઓ પોતાના પરિવારજનો સાથે રહે છે. અહીંની મહિલાઓને રાહદારીઓ પણ ખરાબ નજરથી જોતા હોય છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયમી અંધકારમાં રહી પોતાનું જીવન જીવતી રૂપ જીવનીઓ સાથે પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. પોલીસે તમામ મહિલાઓને ફટાકડા ફોડાવી તેમજ તહેવાર અંતર્ગત મોઢું મીઠું કરાવી દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ પોલીસે ઉજવી અનોખી દિવાળી 
દેશભરમાં દિવાળીના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરીને દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ રાજકોટ શહેર થોરાળા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી તેમજ દેહ વ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ તેમજ તેમના બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

સરી પડ્યા આંસુઓ
થોરાળા પોલીસના જણાવ્યા અનુસાર દેહ વ્યાપારના ધંધા સાથે મજબૂરીમાં સંકળાયેલી મહિલાઓ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ જ્યારે તેમના વિસ્તારમાં પર્વની ઉજવણી કરવા પહોંચી હતી ત્યારે થોડા સમય માટે તેમને થયું હતું કે પોલીસ તેમને ત્યાં રેડ પાડવા આવી છે. તેમજ તેમના ધંધા બંધ કરાવવા આવી છે. પરંતુ જ્યારે અમે તેમને દિવાળી ઉજવવા આવ્યા છીએ એવું કહેતા તેમના આંખમાંથી આંસુઓ સરી પડ્યા હતા.

કેટલીક મહિલાઓને અમે સમજાવટ પણ કરી છે કે તેઓ પોતાની દીકરીઓને ભવિષ્યમાં દેહ વ્યાપારના ધંધામાં ન ધકેલે. તેમજ તેમને સારું ભવિષ્ય મળે તે માટે તેમને ભણાવે ગણાવે. તેમજ આ બાબતે કોઈ અન્ય સહયોગ જોતું હોય તો પોલીસ તે બાબતે તેમને મદદ પણ કરશે. સાથે જ જે મહિલાઓ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી છે તેમને આ પ્રકારનો ધંધો મૂકીને કોઈ કારખાનામાં નોકરી મળે તે માટેના પ્રયત્નો પણ અમારા દ્વારા કરવામાં આવશે. હાલ તો મહિલાઓએ પોલીસને પોતાનો પરિવાર માનીને દિવાળીના પર્વની ઉજવણી કરી છે.