IFFCOની ચૂંટણીમાં ફરી એક વાર ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે. ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત બાદ હવે દિલીપ સંઘાણી ફરી ઈફ્કોના ચેરમેન બન્યા છે. દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી થઈ છે. તો બલવીર સિંહ ઈફ્કોના વાઈસ ચેરમેન બન્યા છે.
IFFCO વિશ્વની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં નંબર 1 સહકારી છે, જે ગયા વર્ષથી આ સ્થાન પર છે. 65 હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઈફ્કો છે. ત્યારે 21 ડિરેકટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકથી જોડાયા છે. તો ઉત્તરપ્રદેશના વતની એવા બલવીરસિંહ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે.

6 કરોડ ખેડૂતોને સેવા પ્રદાન કરે છે
IFFCO ભારતીય સહકારી સંઘની માલિકીપણા હેઠળ છે. વર્ષ 1967માં ફક્ત 57 સહકારી સમિતિઓની સાથે આ સમિતિમાં આજે 36,000 કરતા પણ વધારે ભારતીય સહકારી સમિતિઓ સામેલ છે. ખાતર બનાવીને વેચવાના મુખ્ય વ્યવસાયની ઉપરાંત આ સમિતિઓનો વ્યવસાય સામાન્ય વીમાથી માંડીને ગ્રામીણ દૂરસંચાર જેવા વિવિધ સેક્ટર્સ સુધી ફેલાયેલો છે. ઈફકો ભારતના 6 કરોડ ખેડૂતોને સેવા પ્રદાન કરે છે. ભારતના ખૂણેખાંચરે રહેતા ખેડૂતો સુધી ખાતર પહોંચાડવાનો આકરો પડકાર ઈફકોના માર્કેટિંગ વિભાગની સામે રહેલ છે. ઈફકોએ દુનિયાભરમાં પોતાના પ્રભાવનો વિસ્તાર કર્યો છે.







