રાજ્યમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઓનલાઈન ગેમિંગે અનેક લોકોને રસ્તા પર લાવી દીધા છે. આ ઓનલાઈન ગેમિંગનું દૂષણ પણ સતત વધી રહ્યું છે. ત્યારે હવે રાજકોટમાં જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્ના રમાકાંત પંડિત નામના 20 વર્ષિય યુવકે જીવન ટૂંકાવ્યું છે. યુવકે પોતાના ઘરની દિવાલ પર મોબાઈલનો પાસવર્ડ લખીને નોટ પણ લખી છે.

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા ક્રિષ્ના રમાકાંત પંડિતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરિવારજનો ક્રિષ્નાના રૂમમાં પ્રવેશી બોલાવવા જતાં ક્રિષ્ના લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ સમયે દેકારો બોલી જતાં પાડોશમાં રહેતા નવીનભાઇએ તરત 108ને જાણ કરી હતી. ત્યાર બાદ 108ના ઇ.એમ.ટી. દિવ્યાબેન બારોટ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને ક્રિષ્ના પંડિતને તપાસી મૃત જાહેર કર્યો હતો. યુવકના ફોનમાં નોટ પણ મળી હતી.

જાણો શું મળ્યું પોલીસને
પોલીસે મોબાઈલ ફોનની તપાસ કરી તો અંદરથી નોટ મળી.એમાં પોતે ઘણું બધુ લખ્યું છે પણ સૌથી મહત્વની વાત એ છે લખી છે કે, ઓનલાઇન જુગાર માનસિક અને આર્થિક રીતે યુવાનોને પાયમાલ કરી નાખે છે. મારા આ પગલુ ભરવા પાછળ હું લોકોને એક જ સંદેશ આપવા માંગુ છું કે, ઓનલાઈન જુગારથી દુર રહો. મારી છેલ્લી ઇચ્છા છે કે ઓનલાઈન જુગાર સંદંતર બંધ થવો જોઈએ… કારણ કે ઓનલાઈન જુગાર એ ખતરનાક વ્યસન છે… થેન્ક યુ શો મચ, ફોર ધ ગ્રેટ લાઈફ ,ગુડબાય.

ક્રિષ્નાના પિતા રમાકર પંડિતે કહ્યું કે માતા-પિતા પોતાના બાળકનું સંપૂર્ણ ધ્યાન રાખે. મને નહોતી ખબર કે આ ઘટના ઓનલાઈન ગેમને કારણે બની છે. તપાસ બાદ ગેમથી મારા દિકરાએ આવુ કર્યું એ ખબર પડી છે. હું દરેક માતા પિતાને પણ કહેવા માંગુ છુ કે પોતાના સંતાનોને જેટલી જરુર હોય તેટલા જ પૈસા આપવા જોઈએ અને એમનું ધ્યાન રાખવું જોઈએ. મારા દીકરાનું સ્વપ્ન હતુ કે બેંકમાં અને રેલવેમાં નોકરી કરવી છે અને એ માટે તૈયારી પણ કરી રહ્યો હતો, પણ આજે મારો દીકરો ગેમના કારણે નથી રહ્યો. એ એટલો હોશિયાર હતો કે તેની નાની બહેનને પણ ભણાવતો હતો. વિચાર કરો માત્ર એક લત જેના કારણે આખો પરિવાર બરબાદ થઈ ગયો