ભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને વીર ચક્રથી સન્માનિત અભિનંદન વર્ધમાન હવે તેમની કારકિર્દીના નવા પડાવ પર પહોંચ્યા છે. ફાઇટર જેટના પાઇલટ તરીકે દેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ હવે તેઓ પેસેન્જર એરક્રાફ્ટ ઉડાવતા જોવા મળશે.

મળતી માહિતી મુજબ, અભિનંદન વર્ધમાન ઓગસ્ટ મહિનામાં ગોવા સ્થિત પ્રાદેશિક એરલાઇન FLY91 સાથે પાઇલટ તરીકે જોડાયા છે. જોકે, FLY91 તરફથી તેમની નિમણૂક અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એરલાઇનના પ્રવક્તાએ કર્મચારીની વ્યક્તિગત માહિતી જાહેર ન કરી શકાય તેમ કહીને આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

2019ની હવાઈ લડાઈથી દેશભરમાં થયા જાણીતા

અભિનંદન વર્ધમાન ભારતીય વાયુસેનામાં ફાઇટર પાઇલટ તરીકે ફરજ બજાવતા હતા. 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી હવાઈ અથડામણ દરમિયાન તેઓ MiG-21 વિમાન સાથે મિશન પર હતા.

આ દરમિયાન તેમનું વિમાન ક્રેશ થયું અને તેઓ પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં ગયા હતા. લગભગ ત્રણ દિવસ બાદ તેમને ભારત પરત સોંપવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાએ અભિનંદનને દેશભરમાં ચર્ચિત બનાવ્યા હતા.

અસાધારણ શૌર્ય બદલ મળ્યો વીર ચક્ર

2019ની આ કાર્યવાહી દરમિયાન દર્શાવેલી બહાદુરી અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2021માં તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.

હવે વાયુસેનાની સેવા બાદ અભિનંદન વર્ધમાન પેસેન્જર એવિએશનની દુનિયામાં નવી શરૂઆત કરી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ફાઇટર જેટના કોકપિટથી કોમર્શિયલ એરક્રાફ્ટના કોકપિટ સુધીની તેમની સફર ખાસ બની રહી છે.

FLY91 શું છે?

FLY91 ગોવા સ્થિત પ્રાદેશિક એરલાઇન છે, જેણે માર્ચ 2024માં પોતાની ફ્લાઇટ કામગીરી શરૂ કરી હતી. એરલાઇન હાલમાં ATR 72-600 પ્રકારના છ વિમાનોનું સંચાલન કરે છે. એરલાઇનના મુખ્ય બેઝ ગોવા અને હૈદરાબાદમાં છે. અભિનંદન વર્ધમાનનું અહીં પાઇલટ તરીકે જોડાવું તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં એક નવો અધ્યાય માનવામાં આવી રહ્યો છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો