શ્યામ સેદાણી, બાબરા/ એક તરફ ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈ લાઠી-બાબરાના MLA જનકભાઈ તળાવીયાએ સહાય આપવા
કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે.

MLA જનકભાઈ  તળાવીયા એ કૃષિમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે, લાઠી-બાબરા બન્ને તાલુકામાં તા.14  તેમજ તા.15  મે 2024 ના રોજ થયેલ કમોસમી વરસાદ તેમજ ભારે પવન સાથે વાવાઝોડું આવવાના કારણે ખેડૂતોને ઉનાળુ બાજરી, તલ, મગ, જુવાર જેવા પાકોને બહોળા પ્રમાણમાં નુકસાન થયેલ છે. ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ પોતાની વાડીમાં બનાવેલા મકાનો ધરાશાયી થવાથી ઉપરના પતરા સહિતના સરસામાનને પણ ખુબ જ બહોળા પ્રમાણમાં નુકસાની થઈ છે. જેને લઈને તાત્કાલિક સર્વે કરવા માંગણી કરી છે.

આ ઉપરાંત ધારાસભ્યએ પત્રમાં લખ્યું છે કે, લાઠી શહેર તેમજ બાબરા શહેરી વિસ્તારમાં નાના ધંધાર્થી કેબિન ધારકો, ખાણીપીણીની લારીઓ ધરાવતા ધંધાર્થીઓ, જીનીંગ ધારકો, બાબરા જી.આઈ.ડી.સી. ખાતે સંકળાયેલા ધંધાર્થીઓને પણ ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે તેમજ ખડૂતોના ખેતરમાં પડેલ નિરણ(ઘાસચારો)ને મોટા પ્રમાણમાં નુકસાની થયેલ હોય તો આ બાબતે સત્વરે સરવે કરાવી ખેડૂતોને પાક નુકસાની અંગેનું વળતર આપવા માંગ છે.