અમદાવાદ: જનતા પર એક બાદ એક મોંઘવારીના માર પડી રહ્યા છે. ત્યારે આજે રાત્રે 12 વાગ્યાથી મોંઘવરીનો વધુ એક માર પડવા જઇ રહ્યો છે. રાજ્યના એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં 10 વર્ષ બાદ ગુજરાત સરકારે એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. તહેવારો નજીક આવતા જ જનતાને મોંઘવારીનો માર પડ્યો છે.
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જણાવ્યું છે કે, એસ.ટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી.જેમાં ભાડા વધારાની મુખ્ય બાબતો જણાવી છે કે, વર્ષ –2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબજ વધેલ છે. લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે.
નિગમની લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે જેમાં રૂ.1/- થી રૂ.6/- સુધીનો ભાડા વધારો કરવામાં આવ્યો છે. નિગમ દ્વારા 2784 ડ્રાઈવર, 2034 કંડકટર, 2420 મિકેનિક અને 1603 ક્લાર્ક એમ મળી કુલ 8841 કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન છે. જેના થકી વધુ શીડ્યુલ સંચાલિત થતા મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા આપવાનું આયોજન છે.
જાણો કેટલું વધ્યું ભાડું
વર્ષ 2014 પછી પહેલી વખત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા એસટીના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં રોજના દસ લાખ લોકો બસની મુસાફરી કરે છે. આ ભાડાના નવા ભાવો આજે મધરાત્રીથી જ લાગુ થઈ જશે. લોકલ બસની વાત કરીએ તો લોકલ, એસ્પ્રેસ અને નોન-એસી સ્લીપર બસના ભાડામાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેના પછી તમારી મુસાફરી પર કેટલી ટીકીટ વધી ગઈ છે તેનો અંદાજ આપ લગાવી શકો છો. 85 ટકા મુસાફરો એટલે કે અંદાજે 10 લાખ મુસાફરો રોજીંદો પ્રવાસ કરે છે. જેમાં હવે રૂ. 1થી 6 સુધીનો ભાડા વધારો કરવામાં આવ્યો છે. લોકલ સર્વિસીસમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડાના વધારાની અસર નહીવત થશે તેવું વિભાગનું માનવું છે.







