ભારતમાં ચાઈનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ છે. પ્રતિબંધ હોવા છતાં ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. રાજકોટ યાર્ડના વેપારી એસોસિએશને ગોંડલમાં મળી આવ્યું તે લસણ મોટા કન્ટેનર ચીનથી ઠલવાઈ ગયા હોય તે પૈકીનું હોવાની શક્યતા છે અને સરકાર આ અંગે ઉંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગ સાથે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું એલાન અપાયું છે.

ચાઇનીઝ લસણ મામલે વેપારીઓએ સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી છે. ત્યારે આ મામલે વેપારીઓએ કહ્યું હતું કે, ચાઈનીઝ લસણ વાયા અફઘાનિસ્તાન થઈને ભારતમાં પહોંચાડવામાં આવે છે. ચાઈનીઝ લસણના કારણે ભારતના ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે. સરકારે આ મામલે યોગ્ય પગલાં લેવા જોઈએ. હાલ લસણના સારા ભાવ મળી રહ્યા છે. લસણની માંગ વધતા ચાઇનીઝ લસણને યાર્ડમાં ઘુસાવાના પ્રયાસો થયા છે. લસણ મામલે સરકારે આકરી કાર્યવાહી કરવી જોઈએ. હાલ લસણની બજારમાં એક મણ લસણના રૂપિયા 4,000 થી 5,000 જેટલો ભાવ મળે છે. રાજકોટ યાર્ડમાં દરરોજ 1200 કરતાં વધારે લસણની બોરીઓ હરાજીમાં આવે છે.

ઉઠયા આ સવાલો
કેન્દ્રના પ્રતિબંધ છતાં ભાજપના જ નેતા જેના ચેરમેન છે તે ગોંડલ યાર્ડમાં 750 કિલો ચીનનું લસણ કોણ લાવ્યું અને યાર્ડના સત્તાધીશોએ કેમ લાવવા દીધું તે અંગે પણ સવાલ ઉઠયો છે. ઉપલેટાના ગોડાઉનમાં પણ ચાઈનીઝ લસણ પકડાયાની વાતો વહેતી થઈ છે. વેપારીઓને શંકા છે કે ભારતના પ્રતિબંધને અવગણીને ચીને વાયા અન્ય દેશથી ભારતમાં ટનબંધ લસણ ઠાલવી દીધું છે.