Big blow to online gaming companies, 28% GST likely to be implemented from October 1

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બુધવારે GST કાઉન્સિલની 51મી બેઠક યોજાઈ હતી. જેમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રાઈડિંગ જેવી ગેમ્સ પર 28 ટકા જીએસટી લાગુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, જીએસટીનો આ દર 1 ઓક્ટોબર, 2023થી લાગુ થવાની ધારણા છે.

રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે GST કાઉન્સિલની બેઠકમાં GST દર અને સુધારા સંબંધિત ઘણી બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને ઘોડેસવારી પરના જીએસટી દર અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ પર 28 ટકાના દરે GST લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ગેમિંગ કંપનીઓ દ્વારા આ નિર્ણયનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

છેલ્લી બેઠકમાં લેવાયેલા નિર્ણયને જાળવી રાખતા, કાઉન્સિલે સંમતિ આપી છે કે 6 મહિના પછી GST દરની ફરીથી સમીક્ષા કરવામાં આવશે. બુધવારની મીટિંગ પછી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, ‘આ (ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર 28% GST) 1 ઓક્ટોબર, 2023 થી લાગુ થવાની અપેક્ષા છે. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ નિર્ણયના અમલીકરણના 6 મહિના પછી સમીક્ષા કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું, ‘જ્યારે હું કહું છું કે 6 મહિના, તેનો અર્થ એ નથી કે આજથી શરૂ કરો, જ્યારે તે અમલમાં આવે ત્યારે તે શરૂ થાય છે.’

આ રાજ્યોએ કરી સમીક્ષાની માંગ
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ બેઠકમાં દિલ્હી, ગોવા અને સિક્કિમે ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટીના નિર્ણયની સમીક્ષાની માંગ કરી. માહિતી આપતા, તેમણે સ્પષ્ટ કર્યું કે આ GST દરેક દાવ અથવા જીત પર નહીં, પરંતુ પ્રવેશ સ્તર પર ફેસ વેલ્યુ (ઓનલાઈન પ્લેટફોર્મ પર જમા કરાયેલી રકમ) પર વસૂલવામાં આવશે. નાણા મંત્રીના જણાવ્યા અનુસાર, દિલ્હીનું પ્રતિનિધિત્વ કરતા મંત્રી ઇચ્છતા હતા કે ઓનલાઈન ગેમિંગ (ફેસ વેલ્યુ પર) પર 28% GSTના નિર્ણયની સમીક્ષા કરવામાં આવે. ગોવા અને સિક્કિમનું પણ કહેવું છે કે આ નિર્ણયથી તેમની આવકને નુકસાન થયું છે.

આ પણ વાંચો: ગુજરાતીઓ હવે તમારા ખિસ્સાને પરવડશે દૂધ કારણ કે ભાવમાં થશે ઘટાડો, રુપાલાએ આપ્યું કારણ

વિદેશી કંપનીઓણે લઈ સરકારનું વલણ કડક 
GST કાઉન્સિલે વિદેશી કંપનીઓ માટે સખ્ત વલણ સાથે  રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે. બેઠક બાદ માહિતી આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હવે વિદેશી કંપનીઓ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. આ બેઠકમાં ગોવાએ ગ્રોસ ગેમિંગ રેવન્યુ પર જીએસટીની માંગણી કરી હતી. આ ઉપરાંત CGST કાયદામાં  ફેરફાર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.