Milk Price in India: આજકાલ તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધારો એટલી હદે થયો છે કે મધ્યમ પરિવારોના ખિસ્સા તો પગાર આવતા જ ખાલી થઈ જાય છે. તાજેતરમાં જ મોંઘા ટામેટાના ત્રાસથી ગુજરાતીઓ કંટાળી ચૂક્યા હતા. પરંતુ હવે એક રાહતના સમાચાર આવ્યા છે. દૂધના ભાવમાં ઘટાડો થઈ શકે છે. કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રુપાલાએ આ માહિતી આપી છે.

ચોમાસા પછી ભાવમાં થશે ઘટાડો
હવે તમને સસ્તું દૂધ મળી શકે છે. કારણ કે કેન્દ્ર સરકારનું એનુ માનવુ છે કે,ચોમાસા બાદ દૂધના ભાવમાં ઘટાડો થઈ શકે છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાના જણાવ્યા અનુસાર આ સમયે લીલા ઘાસચારાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ ચોમાસા બાદ દૂધના ભાવમાં પણ ઘટાડો થવાની આશા છે.

રુપાલાએ કહ્યું કે…
આ ઉપરાંત સમાચાર માધ્યમોના અહેવાલ પ્રમાણે,પરશોત્તમ રૂપાલાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે ખરાબ હવામાનના કારણે પાકને નુકસાન સહન કરવું પડે છે.આ સમયે ચિંતા કરવા જેવું કંઈ નથી. હાલમાં,સરકાર દૂધ ઉત્પાદકતા વધારવા માટે ક્લાયમેટ રેઝિલિએન્ટ બ્રીડ પર કામ કરી રહી છે.આ સાથે તમને જણાવી દઈએ કે ઘાસચારાનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પણ ઘટી રહ્યો છે. ચોમાસા પછી શિયાળાની સિઝન શરૂ થાય છે, જેમાં ભાવ ઘટી શકે છે. આ જોતા મને આશા છે કે ચોમાસા પછી દૂધના ભાવ સ્થિર થશે.

એક વર્ષમાં દૂધના ભાવ 10 ટકા વધ્યાં
જો કે છેલ્લા એક વર્ષમાં દેશભરમાં દૂધના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અમૂલથી લઈને મધર ડેરી સુધીની તમામ કંપનીઓએ ભાવ વધાર્યા છે. ભારતમાં છેલ્લા 3 વર્ષમાં દૂધના ભાવમાં 22 ટકાનો વધારો જોવા મળ્યો છે, જેમાંથી છેલ્લા એક વર્ષમાં 10 ટકાનો વધારો થયો છે.