નવી દિલ્હી: 19 મે, 2023ના રોજ, ભારતીય રિઝર્વ બેંકે ચલણમાં રહેલી રૂ. 2000ની સૌથી મોટી ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ દેશની તમામ બેંકોમાં આ નોટો બદલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સાથે જ 2000 રૂપિયાની ચલણી નોટ પરત કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો. પરત કરવામાં આવેલી રૂ. 2,000ની નોટોના ડેટા જાહેર કરતા, RBIએ હવે કહ્યું છે કે 31 જુલાઈ, 2023 સુધી બજારમાં રૂ. 3.14 લાખ કરોડની 2000ની નોટો પરત આવી છે.

88% ગુલાબી નોટો પરત આવી
રિટર્ન થયેલી નોટોનો ડેટા રજૂ કરતાં RBIએ કહ્યું છે કે 19 મે, 2023થી 2,000 રૂપિયાની 88 ટકા નોટ પાછી આવી છે. તેમની કુલ કિંમત 3.14 લાખ કરોડ રૂપિયા છે. હવે બજારમાં માત્ર 0.42 લાખ કરોડ રૂપિયાની નોટો જ બચી છે. રિઝર્વ બેંક દ્વારા ગત જૂન મહિનામાં જે ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, 2.72 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો પરત આવી હતી અને 84,000 કરોડ રૂપિયાની નોટો લોકો પાસે ઉપલબ્ધ હતી. પરંતુ એક મહિનામાં આ આંકડો અડધો થઈ ગયો છે.

કુલ 21 લાખ બંડલ બેન્કમાં આવવાના બાકી
અત્યારે પણ 42,000 કરોડ રૂપિયાની 2000ની નોટો બજારમાં છે. આ રકમને બંડલ પ્રમાણે જોઈએ તો 2000 રૂપિયાના કુલ 21 લાખ બંડલ હજુ પણ ચલણમાં છે. સ્વાભાવિક છે કે એક બંડલમાં 100ની નોટ હોય છે. ઉલ્લેખનીય છે કે, 31 માર્ચ, 2023 સુધી દેશમાં લગભગ 3.56 લાખ કરોડ રૂપિયાની 2,000 રૂપિયાની નોટો ચલણમાં હતી. તેમાંથી 31 જુલાઈ 2023 સુધી કુલ 3.14 લાખ કરોડ રૂપિયાની નોટો પરત આવી છે. મે મહિનામાં જ્યારે રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી, ત્યાર બાદ બેંકો દ્વારા આ નોટો બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં, બેંકોમાં સંપૂર્ણ ભીડનું દ્રશ્ય જોવા મળતું હતું, પરંતુ હવે ફક્ત થોડા લોકો જ આ કામ માટે બેંકોમાં પહોંચતા જોવા મળે છે.

2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત સાથે, કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે 23 મેથી 30 સપ્ટેમ્બર, 2023 સુધી લોકો આ નોટોને તેમની પાસેની બેંકમાં જમા કરાવી શકે છે અને તેને બદલી કરાવી શકે છે. બેંકો ઉપરાંત RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં પણ લોકોને 2000ની નોટ બદલવાની સુવિધા આપવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પણ લોકોને અપીલ કરી હતી કે તેઓ તેમની નોટો નિર્ધારિત તારીખ સુધીમાં બેંકોમાં જમા કરાવે અથવા બદલી કરાવે. કેન્દ્રીય બેંકની અપીલ પણ ફળીભૂત થઈ રહી છે અને તેનું ઉદાહરણ એ છે કે 2000 રૂપિયાની 88 ટકા નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે.

જાણો ક્યારે આવી હતી 2000 ની નોટ ચલણમાં
સરકારે ચલણમાં રહેલી રૂ. 5,00 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય લીધા બાદ નવેમ્બર 2016માં રૂ. 2,000 મૂલ્યની બેન્ક નોટો રજૂ કરવામાં આવી હતી. અન્ય મૂલ્યોની બેંક નોટો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થયા પછી 2,000 રૂપિયાની બેંક નોટો શરૂ કરવાનો હેતુ પૂરો થયો. આરબીઆઈએ કહ્યું કે તેથી, 2018-19માં 2,000 રૂપિયાની બેંક નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.