રાજ્યમાં એક તરફ શિક્ષણને લઈને અનેક વાર સરકાર સામે આંગળી ચીંધાઈ છે. બીજી તરફ ખાનગી શાળાઓ ગલીએ ગલી જોવા મળે છે. શિકક્ષનો જાણે વેપાર થઈ રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન હવે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ડૉ. ભરત કાનાબારે વર્તમાન શિક્ષણ વયસ્થાને ઉધઈ-ગ્રસ્ત ગણાવી છે. આ સાથે કહ્યું કે ઇડી જેવું એક અલગ તંત્ર શિક્ષણ ક્ષેત્રની બદીઓ સાફ કરવા ઉભું કરવાની તાતી જરૂર છે.

જાણો શું કહ્યું ભાજપના વરિષ્ઠ નેતાએ
વર્તમાન ઉધઈ-ગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થાના પાયા પર ૨૦૪૭ના વિકસિત ભારતની ઇમારત ઉભી ના થઇ શકે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની રડ્યા ખડ્યા ટાપુઓ જેવી કેટલીક IIM, IIT, AIMS અને કેન્દ્રીય વિદ્યાલયોને બાદ કરતા, ગુણવતા વગરની શિક્ષણનો વેપાર કરતી “દુકાનો”ગલીએ અને ચોરે ઉભી થઇ રહી છે.

કોઈ પણ જાતનો અભ્યાસ કરાવ્યા વગર, પરીક્ષામાં ગમે તે રીતે પાસ કરી ડિગ્રી અપાવી દેવાની ગેરેન્ટી આપતા શિક્ષણના આવા અડ્ડાઓ ચલાવતા સંચાલકો ડ્રગનો કારોબાર કરતા માફિયાઓ કરતા પણ સમાજને વધારે નુકશાન પહોંચાડી રહ્યા છે. ઇડી જેવું એક અલગ તંત્ર શિક્ષણ ક્ષેત્રની બદીઓ સાફ કરવા ઉભું કરવાની તાતી જરૂર છે.