લોકોના મુખે અનેક વાર સાંભળ્યું હશે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ અંગે વાત કરવા જય રહ્યા છીએ કે જેના અંગે તમે પણ બોલી જશો કે આ કહેવત તો દેવગામના પૂર્વ સરપંચ પર બંધ બેસે છે.  લોધિકાના દેવગામના પૂર્વ સરપંચ જંયતીભાઈ શિવાલાલ ચૌહાણની.જેમને બંને હાથ નથી પણ કામ એવી રીતે કરે છે કે તમે જોતા જ રહી જાય.

જયંતીભાઈ શિવાલાલ ચૌહાણ 5 વર્ષ સુધી સરપંચ રહી ચૂક્યા છે.ગામના લોકોના સાથ સહકારથી તેઓ સરપંચ બન્યા હતા અને ખુબ જ ઈમાનદારીથી તેમની જવાબદારી નિભાવી હતી.65 વર્ષીય જયંતીભાઈ ચૌહાણ જન્મથી જ દિવ્યાંગ છે. જયંતીભાઈ ચૌહાણને જન્મથી જ બંને હાથ કામ કરતા ન હતા.પણ તેઓ નાનપણથી જ બધુ કામ પગથી કરી રહ્યાં છે.તેઓ પગથી જ ડ્રાઈવિંગ, પેઈન્ટિંગ કરે છે.આ સાથે જ જાતે જ હિસાબ કિતાબ કરે છે.તેઓ કોઈ પર નિર્ભર રહેતા નથી પણ જાત મહેનત થકી જ કામ કરીને આત્મનિર્ભર છે.

જયંતીભાઈએ કહ્યું કે દિવ્યાંગોને ભગવાને વિશેષ શક્તિ આપી હોય છે.બસ તેને ઓળખવાની જરૂર હોય છે.જયંતીભાઈ વર્ષ 2005ખી સસ્તા અનાજની દુકાન ચલાવે છે.તેમને આ દુકાન ચલાવવામાં તેમના પત્ની ઈન્દુબેન અને તેમના સંતાનો પુરેપુરો સહયોગ આપે છે.

હાથ વગર ચલાવે છે ગાડી
જયંતીભાઈએ કહ્યું કે તેઓ છેલ્લા 8-10 વર્ષથી જાતે જ ગાડી ચલાવે છે.તેઓ પોતાની ગાડી લઈને દ્વારકા, પોરબંદર, હર્ષદ, કચ્છ, બગદાણા સહિતના ગામે તેઓ જાય છે.તેઓ ગાડી ચલાવવાથી લઈને દરેક કામ પોતાની જાતે જ કરે છે.જયંતીભાઈને રસોઈ પણ બનાવતા આવડે છે.

તેઓ રતનપરમાં મધ્યાહન ભોજન જમાડે છે. જેથી તેઓ દરરોજ પોતાની ગાડીને લઈને મધ્યાહન ભોજન જમાડવા માટે જાય છે.જયંતીભાઈએ કહ્યું કે આ બધુ તો ભગવાનની દયા હોય તો થાય.આમ કુદરતે દરેક મનુષ્યને કોઇને કોઇ કળા આપી હોય છે. બસ તેને પરખવાની જરૂર હોય છે.