રાજકોટના કાલાવાડ રોડ પર ફાઈવ સ્ટાર હોટલ સયાજીની બાજુમાં વિશાળ ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું. વર્ષ 2021થી TRP ઝોનમાં બાળકો અને યુવાનો બધા માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી કારણ કે વેકેશનની સાથે વિકેન્ડ પણ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો શનિવારે ગેમ ઝોનમાં મજા માણવા પહોંચ્યા હતા. આ વચ્ચે ગેમઝોનમાં અચાનક ભભૂકી ઉઠેલી આગને કારણે અફરાતફરી મચી જવા પામી.આસપાસના વિસ્તારમાં ફરી વળેલા ધુમાડાના ગોટાઓએ ભયાનક દૃશ્ય સર્જયા હતા. જેમાં 24 લોકોના મોત થયા છે. જ્યારે મોતનો આંક વધવાની શક્યતા છે.

TRP ઝોનની છત અને દિવાલો પતરાથી બનાવવામાં આવેલી હતી. પતરાની દિવાલોથી ડોમ બનાવવામાં આવ્યો હતો કે, જે આકર્ષક દેખાવ આપી રહ્યો હતો. જેને કારણે લોકોને આગની તિવ્રતા વધુ સહન કરવી પડી અને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે આખેઆખો ડોમ પડી ગયો હતો જેથી જે લોકો પણ બહાર ન નીકળ્યા હોય તેમની માટે જીવ બચાવવો ખુબ અઘરું બન્યું હતું.

ગેમઝોન પાસે ફાયર NOC જ ન હતું
રાજકોટના TRP ગેમઝોનમાં ફાટી નીકળેલી આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજકોટ જેવા શહેરમાં લાંબા સમયથી ધમધમતા આ ગેમઝોન પાસે ફાયર NOC જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનો ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર કર્યો છે. જયમીન ઠાકરે કહ્યું હતું કે, આ સંચાલકોને રાજકોટ મનપા અને ભાજપ સરકાર છોડશે નહીં. રાજકોટ મનપાની માત્રને માત્ર જવાબદારી ફાયર NOC આપવાની છે. આની મંજૂરી મનોરંજન વિભાગ આપતું હોય છે. એ પણ આ લોકો મનોરંજન વિભાગમાં ફાઈલ મૂકે પછી તે ફાઈલ મનપા પાસે આવે પછી મનપા મંજૂરી આપતી હોય છે. રાજકોટ મનપાની સીધી જવાબદારી નથી. રાજકોટ મનપાની એ જવાબદારી છે કે આવું કેમ બન્યું?, રાજકોટ માટે આ કલંકિત ઘટના છે.

શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા
AIIMS રાજકોટની ડોક્ટર ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી છે. AIIMS રાજકોટમાં 30 બેડ તૈયાર રાખ્યા છે.રાજકોટ ગેમઝોન બાબતે શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું છે. માણસના મૃત્યુથી વધુ કંઈ જ ના હોઈ શકે. વારંવારની આવી ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું એ દુઃખદ છે. સુરત, વડોદરા, મોરબી, પાલનપુર બ્રિજની દુર્ઘટનાઓ સરકારની નિષ્કાળજી દર્શાવે છે. ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટની ફટકાર છતાં બેદરકારી દર્શાવવામાં આવે છે. સરકાર વ્યવસ્થિત હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે. ગુજરાતીઓએ ભાજપને ખોબેને ખોબે મત આપ્યા છે. ત્યારે તેમની જવાબદારી બેવડાય છે. કોર્પોરેશનથી લઇ કેન્દ્રમાં સરકાર હોવા છતાં માત્ર ધનસંગ્રહ જ કરાય છે. તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ હવે તમામ ગેમઝોન બંધ કરવા નીકળ્યા છે. નૈતિકતાના ધોરણે સરકારે ઘટનામાં બેદરકારી સ્વીકારવી જોઈએ. કમસે કમ ઈશ્વરનો ડર તો સરકાર રાખે.

મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજાર
રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 24ના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે મૃતકોને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. તેમજ આ બનાવની તપાસ માટે SITની રચના કરી છે.

ગેમઝોન બંધ કરવા આદેશ
રાજ્યમાં જે ગેમઝોન પાસે ફાયર એનઓસી નથી તે તમામ ગેમઝોન બંધ કરવા ગુજરાત સરકારે સુચના આપી છે.

મૃતદેહ ઓળખ ડીએનએ તપાસ બાદ જ  થશે
દુર્ઘટનાને પગલે ગેમ સંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયો છે, ટીઆરપી ગેમઝોનના જગ્યાના માલિક યુવરાજસિંહ સોલંકી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે. જો કે તેને જગ્યા ભાડે આપી હતી.  ફાયર સેફ્ટી સહિતના તમામ બાબતે તમામ ગેમઝોનની તપાસ થશે. અત્યાર સુધીમાં 24 વ્યક્તિના મૃત્યુ થયા છે. કોઈના પણ મૃતદેહ ઓળખી શકાય તેમ ન હોય ડીએનએ તપાસ બાદ જ ઓળખ થશે.