સરકારે ખેડૂતો માટે આઈ પોર્ટલ શરૂ કર્યું, પરંતુ કમ્પ્યુટર-બ્રોડબેન્ડ જેવી સુવિધાના અભાવે ખેડૂતો આઈ પોર્ટલનો લાભ લઈ શકતા નથી: સાગર રબારી..
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ માટે કિસાન આઈ પોર્ટલ શરૂ થયું છે. પરંતુ ખેડૂતો આ આઈ પોર્ટલનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે, કારણ કે મોટાભાગના ખેડૂતો પાસે કોમ્પ્યુટર કે લેપટોપ અને બ્રોડબેન્ડ કનેક્શન નથી. આવા સમયમાં ખેડૂતે ગામના વીસીએ અથવા તો પ્રાઇવેટ સાયબર કાફે વાળા પાસે જવું પડે છે.
દરેક જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે અને જ્યારે એક સાથે આખા ગુજરાતમાંથી લોકો આ પોર્ટલની વિઝિટ કરે છે ત્યારે પોર્ટલની સ્પીડ પણ ડાઉન થઈ જાય છે. એમાં પણ ખેડૂત પોતાનો દિવસ બગાડીને જેની પાસે જાય છે તે પોતે જ મોટાભાગે લાભાર્થી હોય છે માટે સૌથી પહેલા તો એ પોતાનું રજીસ્ટ્રેશન કરશે. તેનું રજીસ્ટ્રેશન થાય કે ન થાય ત્યાં સુધીમાં તો યોજના પૂરી થઈ જાય છે.
સરકારને આકરી આ વિનંતી
મારી સરકારને વિનંતી છે કે આઇ પોર્ટલની યોજનાનો ખેડૂતો લાભ લઇ શકતા નથી. એના મુખ્ય બે કારણો છે, 1. પોર્ટલની કનેક્ટિવિટી ખૂબ જ ખરાબ છે જેના કારણે પોર્ટલ ડાઉન રહે છે. 2. તમે યોજના માટે જે બજેટ ફાળવો છો તે બજેટ ખૂબ જ નાનું હોય છે, જેના કારણે વધારે લાભાર્થીઓ તેનો લાભ લઈ શકતા નથી. સરકાર આવનારા બજેટમાં ખેડૂતો માટે પૂરતું બજેટ ફાળવે અને ગ્રામીણ વિસ્તારની જે ઇન્ટરનેટની કનેક્ટિવિટી છે તેને સુધારે, તો જ સરકારી યોજનાઓ ખેડૂતો સુધી પહોંચી શકશે. જ્યાં સુધી આ બે વસ્તુ નહીં થાય ત્યાં સુધી આ ખેડૂતો સાથે ધોળે દિવસે થતી છેતરપિંડી છે, અને આ છેતરપિંડી સરકારે બંધ કરવી જોઈએ.







