તાજેતરમાં રાજ્યભરમાં ભારે વરસાદને લઈ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થાય હતા. અનેક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. નાના બાળકોથી લઈ વૃદ્ધોને પીવાનું પાણી પણ નહોતું મળ્યું. ત્યારે પાણી ઓસર્યા બાદ નેતાઓ જનતા વચ્ચે પહોંચતા જ અનેક નેતાઓને કડવો અનુભવ થયો હતો. ત્યારે હવે ભાજપના વરિષ્ઠ નેતા અને અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ડૉ. ભરત કાનાબારે ટ્વિટ કરી નેતાઓને અરીસો બતાવ્યો છે તેણે કહ્યું કે, ‘મોટાભાગની જનતાના મતે રાજકારણીઓ “અનિવાર્ય અનિષ્ટ” છે. જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કંઈ નથી!’ રાજકીય લોકો તેમની ખરડાયેલી ઇમેજ સુધારવાનો પડકાર ઝીલી લેવા તૈયાર છે ખરા ?
રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ કેટલાક સ્થાનિક પક્ષ અને વિરોધ પક્ષના નેતા શહેરની મુલાકાતે આવતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તેમણે ‘X’ પર લખ્યું કે, ‘જનતાનો આક્રોશ રાજકીય નેતાઓ અને આગેવાનો માટે ખતરાની ઘંટી સમાન છે.’અતિવૃષ્ટિ પછી વડોદરા અને અન્ય સ્થળોએ રાજકારણીઓ પ્રત્યે વ્યક્ત થઇ રહેલ લોકોનો આક્રોશ પોતાને નેતા અને આગેવાન માનતા દરેક રાજકીય વ્યક્તિ માટે ખતરાની ઘંટડી સમાન છે. મોટાભાગની જનતાના મતે રાજકારણીઓ “અનિવાર્ય અનિષ્ટ” છે જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કઈ નથી ! જાહેર જીવનમાં પડેલ તમામ લોકોને આત્મમંથન કરવાનો સમય છે.રાજકીય લોકો તેમની ખરડાયેલી ઇમેજ સુધારવાનો પડકાર ઝીલી લેવા તૈયાર છે ખરા ?

જાણો કોણ છે ડો. ભરત કાનાબાર?
ડૉ. ભરત કાનાબાર અમરેલી જિલ્લાના ભાજપના નેતા છે. તેઓ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. ટ્વીટર પર તેને ખુદ પ્રધાનમંત્રી મોદી પણ ફોલો કરી રહ્યા છે. અનેક વખત તે પોતાના પક્ષ કે અધિકારીઓના કાન આમળી ચૂક્યા છે. અનેક વખત લોકોની સમસ્યા મામલે સરકાર અને અધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા છે.







