ગાંધીનગર: ગુજરાતમાં જાહેર વિતરણ પ્રણાલીને વધુ પારદર્શક, ઝડપી અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે સરકાર દ્વારા આધુનિક વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL) દ્વારા રાજ્યના ગોડાઉનથી લઈને વ્યાજબી ભાવની દુકાનો (FPS) સુધી અનાજના પરિવહન અને વિતરણ પર ડિજિટલ માધ્યમથી સતત નજર રાખવામાં આવી રહી છે.
રાજ્યના અંદાજે 250 ગોડાઉનમાંથી 17 હજાર જેટલી વ્યાજબી ભાવની દુકાનો સુધી અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર સપ્લાય ચેઇનમાં ટેક્નોલોજીના ઉપયોગથી ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોક મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
GPSથી વાહનોનું રિયલ ટાઈમ મોનિટરિંગ
સપ્લાય ચેઇનને ડિજિટલ બનાવવા માટે GSCSCL દ્વારા ICT Logistics Software વિકસાવવામાં આવ્યું છે. આ સિસ્ટમની મદદથી FCIના ડેપોથી લઈને રાજ્યના ગોડાઉન અને ત્યાંથી FPS સુધી અનાજ લઈ જતા વાહનોનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકાય છે.
વાહનોમાં GPS સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ મશીન લર્નિંગ આધારિત રૂટ ઓપ્ટિમાઇઝેશન વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવી છે.
જો કોઈ વાહન નિર્ધારિત રૂટથી અલગ દિશામાં જાય અથવા GPS સિસ્ટમ ડિસ્કનેક્ટ થાય તો સિસ્ટમમાં તરત એલર્ટ જનરેટ થાય છે. આ વ્યવસ્થાથી અનાજના પરિવહનમાં થતી અનિયમિતતાઓ પર ઝડપથી નજર રાખી શકાય છે.
જીઓ-ફેન્સિંગ અને EPODથી ડિલિવરીની ખરાઈ
ગોડાઉન અને વ્યાજબી ભાવની દુકાનો ખાતે જીઓ-ફેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત Electronic Proof of Delivery એટલે કે EPOD દ્વારા માલસામાન યોગ્ય સ્થળે પહોંચ્યો હોવાની ડિજિટલ રીતે પુષ્ટિ કરવામાં આવે છે. આ ટેક્નોલોજીના કારણે સપ્લાય ચેઇનના વિવિધ તબક્કે જથ્થાની હિલચાલ અને ડિલિવરી અંગે વધુ સચોટ માહિતી મેળવી શકાય છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સતત નજર
રાજ્યની વડી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. અહીંથી સપ્લાય ચેઇન સાથે જોડાયેલી શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવે છે.
PDS પોર્ટલ મારફતે ગોડાઉનમાં ઉપલબ્ધ સ્ટોકની લાઈવ માહિતી પણ મેળવી શકાય છે. આ ઉપરાંત દૈનિક, સાપ્તાહિક અને માસિક ડેશબોર્ડ રિપોર્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ICT Logistics Projectને FCIના ‘અન્ન દર્પણ’ પોર્ટલ સાથે પણ સંકલિત કરવામાં આવ્યું છે.
7 હજાર CCTV કેમેરાથી ગોડાઉનની સુરક્ષા
ગોડાઉનમાં ચોરી અને ભેળસેળ જેવી ગેરરીતિઓ અટકાવવા માટે અંદાજે 7 હજાર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરામાં Bullet, Dome, PTZ અને ANPR જેવી વિવિધ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. કેમેરાના લાઈવ ફીડના મોનિટરિંગ માટે ગોડાઉન, નાયબ જિલ્લા મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીઓ ઉપરાંત વડી કચેરીના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે વિડિયો વોલની વ્યવસ્થા કરવામાં આવી છે.આથી અનાજના સંગ્રહ અને વિતરણ સાથે સંકળાયેલી કામગીરી પર વધુ અસરકારક રીતે નજર રાખી શકાય છે.
ખેડૂતો પાસેથી MSP પર ખરીદી માટે પણ ડિજિટલ વ્યવસ્થા
ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP પર અનાજની ખરીદી માટે Farmer Procurement Portal (FPP) પણ કાર્યરત છે.
આ પોર્ટલ પર ખેડૂતનું રજીસ્ટ્રેશન કરતા પહેલાં આધારકાર્ડ, બેંકની વિગતો અને જમીન સંબંધિત પુરાવાની ચકાસણી કરવામાં આવે છે. જરૂરી ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ રજીસ્ટ્રેશન અને ખરીદીની પ્રક્રિયા આગળ વધે છે.
ખરીદી પ્રક્રિયાના વિવિધ તબક્કે ખેડૂતોને SMS દ્વારા માહિતી આપવામાં આવે છે.
ટેક્નોલોજીથી પારદર્શિતાને વેગ
GPS ટ્રેકિંગ, CCTV મોનિટરિંગ, જીઓ-ફેન્સિંગ, EPOD, લાઈવ સ્ટોક ડેશબોર્ડ અને ડિજિટલ પ્રોક્યોરમેન્ટ જેવી વ્યવસ્થાઓથી ગુજરાતની જાહેર વિતરણ પ્રણાલીને વધુ ટેક્નોલોજી આધારિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ ડિજિટલ વ્યવસ્થાઓનો મુખ્ય હેતુ અનાજના પરિવહનથી લઈને સંગ્રહ, ડિલિવરી અને વિતરણ સુધીની પ્રક્રિયામાં પારદર્શિતા, જવાબદારી અને અસરકારક મોનિટરિંગ વધારવાનો છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







