રાજકોટ/ધોરાજી: ધોરાજીમાં રોયલ સ્કૂલ પાસે પૂરપાટ ઝડપે આવતી અર્ટિગા કારે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર એક જ પરિવારના પતિ-પત્ની સહિત બે માસૂમ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ધોરાજીની રોયલ સ્કૂલ નજીક બાઈક પર એક પરિવાર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી અર્ટિગા કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ચારેય વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્મતમાં પતિ-પત્ની ઉપરાંત બે માસૂમ બાળકોને પણ ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ચારેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્મતમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાની હાલત વધુ નાજુક હોવાનું સામે આવ્યું હતું. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલાને વધુ સારવાર માટે તાત્કાલિક જુનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તોની પણ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.

અકસ્માત બાદ કાર ડિવાઇડર પર ચડી ગઈ

બાઈકને ટક્કર માર્યા બાદ અર્ટિગા કાર બેફામ થઈ ડિવાઇડર પર ચડી ગઈ હતી. અકસ્માત બાદ કારને ઘટનાસ્થળે જ મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોની તપાસ કરી હતી તેમજ ફરાર કાર ચાલકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે અને અકસ્માતના સમગ્ર બનાવ અંગે વધુ વિગતો એકત્રિત કરી રહી છે.

આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત થતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને બે માસૂમ બાળકોને ગંભીર ઈજાઓ થતાં લોકોમાં પણ ચકચાર મચી છે.

ધોરાજીમાં બનેલી આ ઘટનાએ ફરી એક વખત માર્ગ પર બેફામ ઝડપે વાહન ચલાવતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી અને ટ્રાફિક નિયમોના પાલનની જરૂરિયાત ઉભી કરી છે. હાલ પોલીસ દ્વારા ફરાર અર્ટિગા કારચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.