રાજકોટમાં PhDનો અભ્યાસ કરતી યુવતી સાથે લાંબા સમયથી પ્રેમસંબંધ ધરાવતા યુવક સામે લગ્નની ખાતરી આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નથી ઇનકાર કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. યુવતીની ફરિયાદના આધારે રાજકોટ એ-ડિવિઝન પોલીસે જેતપુર તાલુકાના ડેડરવા ગામના ચિંતન ભરતભાઈ મકવાણા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ફરિયાદમાં યુવતીએ કરેલા આક્ષેપ મુજબ, બંને વચ્ચે વર્ષ 2021 દરમિયાન પરિચય થયો હતો. તે સમયે યુવતી જેતપુરની બોસમીયા કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરતી હતી, જ્યારે ચિંતન બી.કોમ.માં અભ્યાસ કરતો હતો. પરિચય બાદ બંને વચ્ચે મિત્રતા અને ત્યારબાદ પ્રેમસંબંધ બંધાયો હતો. બંને ફોન તેમજ સોશિયલ મીડિયા મારફતે સતત સંપર્કમાં રહેતા હતા.

રાજકોટ આવ્યા બાદ પણ સંબંધ યથાવત રહ્યો

યુવતી ઉચ્ચ અભ્યાસ માટે વર્ષ 2022માં રાજકોટ આવી હતી. ફરિયાદ મુજબ, રાજકોટ આવ્યા બાદ પણ ચિંતન તેની સાથે સંપર્કમાં રહેતો અને મળવા આવતો હતો. આરોપીએ પોતાનું માસ્ટર પૂરું થયા બાદ યુવતી સાથે લગ્ન કરવાની ખાતરી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

યુવતીના આક્ષેપ પ્રમાણે, ફેબ્રુઆરી 2023માં ચિંતન તેને રાજકોટના કિસાનપરા ચોક વિસ્તારની એક હોટેલમાં લઈ ગયો હતો. ત્યાં લગ્ન કરવાનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આરોપ છે. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર મુલાકાતો થતી રહી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, જુલાઈ 2024 દરમિયાન યુવતીને ગર્ભ રહ્યો હતો. યુવતીએ આ અંગે ચિંતનને જાણ કરતાં તેણે ગર્ભપાત માટેની દવા મોકલી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતીએ આ દવા લીધા બાદ ગર્ભપાત થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ચોટીલા મંદિરે સેંથો પૂર્યો હોવાનો આક્ષેપ

આ મામલામાં સૌથી મહત્વની બાબત તરીકે યુવતીએ ફરિયાદમાં ચોટીલાની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. વર્ષ 2025 દરમિયાન બંને ચોટીલા ગયા હતા. યુવતીના જણાવ્યા મુજબ, ત્યાં ચામુંડા માતાજીના મંદિરે ચિંતને તેની માંગમાં સેંથો પૂરી માતાજીની સાક્ષીએ તેને પત્ની તરીકે સ્વીકારી હતી.

જોકે, યુવતીનો આરોપ છે કે આ પછી પણ ચિંતને લગ્નને લઈને સતત બહાના કાઢ્યા હતા અને સત્તાવાર રીતે લગ્ન કર્યા નહોતા. બંને વચ્ચે લગ્ન અંગેની વાતચીત ચાલુ રહી હતી.

કોર્ટ મેરેજની વાત વચ્ચે સંબંધમાં વળાંક

ફરિયાદ અનુસાર, ઓગસ્ટ 2026માં બંનેએ વડીયા ખાતે વકીલની મુલાકાત લઈને કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય કર્યો હતો. ચિંતનના કહેવાથી યુવતી રાજકોટથી નવાગઢ પહોંચી હતી. જોકે, ત્યાં ચિંતનના પરિવારજનો આવી જતા પરિસ્થિતિ બદલાઈ હતી અને યુવતી રાજકોટ પરત ફરી હતી.

ત્યારબાદ યુવતીએ ચિંતનને ગોંડલ ચોકડી પાસે બોલાવ્યો હતો. આરોપ મુજબ, ચિંતન યુવતીને પોતાના વતન ડેડરવા ખાતે લઈ જવા નીકળ્યો હતો, પરંતુ બાદમાં તેને પોતાના એક સંબંધીના ઘરે લઈ ગયો હતો. ત્યાં લગ્ન માટે બે-ત્રણ દિવસનો સમય માગવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

માફીનો મેસેજ મોકલી નંબર બ્લોક કર્યો હોવાનો આરોપ

યુવતીના જણાવ્યા મુજબ, ત્યારબાદ ચિંતને વોટ્સએપ પર માફીનો મેસેજ મોકલ્યો હતો અને તેનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. લગ્નની આશા રાખ્યા બાદ સંબંધ તોડી નાખવામાં આવતાં યુવતીએ અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો.

યુવતીની ફરિયાદના આધારે રાજકોટ એ-ડિવિઝન પોલીસે ચિંતન ભરતભાઈ મકવાણા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની કાયદેસર તપાસ અને પુરાવાઓના આધારે જ સમગ્ર કેસની હકીકત સ્પષ્ટ થશે.