કેન્યામાં ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટના: 5 અમેરિકન નાગરિકો સહિત 7નાં મોત

ઉત્તર કેન્યાના સંબુરુ કાઉન્ટરમાં બુધવારે સવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં ભારે ચકચાર મચી ગઈ છે. દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ સાત લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે. મૃતકોમાં પાંચ અમેરિકન નાગરિકો પણ સામેલ હોવાનું અમેરિકન અધિકારીઓએ જણાવ્યું છે.

કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટી મુજબ, હેલિકોપ્ટરે સવારે આશરે 9:13 વાગ્યે લોઈસાબા કન્ઝર્વેશન એરિયાથી ઉડાન ભરી હતી. તે સંબુરુ કાઉન્ટરના ઇવાસો નાયરો વિસ્તાર તરફ જઈ રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો.

પાઇલટ સહિત સાત લોકોના મોત

હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત કુલ સાત લોકો સવાર હતા. સંબુરુ પોલીસ કમાન્ડર ડેવિડ નકોરોઈએ મીડિયાને જણાવ્યું કે દુર્ઘટનામાં કોઈને બચાવી શકાયા નથી અને તમામ સાત લોકોનાં મોત થયા છે.

અમેરિકાના વોશિંગ્ટન સ્થિત સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ પુષ્ટિ કરી છે કે મૃતકોમાંથી પાંચ લોકો અમેરિકન નાગરિક હતા. જોકે, અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોની સત્તાવાર ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી.

જાણીતા મીડિયા એક્ઝિક્યુટિવના મોતની પણ ચર્ચા

સ્થાનિક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતકોમાં જોસ સુઆરેઝ (55) પણ સામેલ હતા. તેઓ NBCUniversalની માલિકીના સ્પેનિશ ભાષાના ટીવી નેટવર્ક ટેલિમુન્ડો સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જોકે, મૃતકોની સત્તાવાર યાદી જાહેર ન થાય ત્યાં સુધી આ ઓળખની સ્વતંત્ર સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

માઉન્ટ ઓલોલોક્વે પાસે દુર્ઘટના

સ્થાનિક અહેવાલો અનુસાર હેલિકોપ્ટર કેન્યાના જાણીતા પર્યટન વિસ્તાર માઉન્ટ ઓલોલોક્વેની તળેટી પાસેના દુર્ગમ વિસ્તારમાં તૂટી પડ્યું હતું.

આ હેલિકોપ્ટર સ્થાનિક ઓપરેટર લેડી લોરી હેલિકોપ્ટર્સ દ્વારા સંચાલિત હોવાનું જણાવાયું છે. અહેવાલો અનુસાર તે ટ્રાવેલ કંપની બિયોન્ડના મહેમાનોને લઈ જઈ રહ્યું હતું.

કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ દુર્ઘટનામાં સામેલ હેલિકોપ્ટરનું મોડલ Eurocopter EC130 B4 હોવાનું જણાવ્યું છે.

બચાવ અને શોધખોળ માટે ટીમો તૈનાત

દુર્ઘટના બાદ ઘટનાસ્થળ સુધી પહોંચવા માટે બહુ-એજન્સી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક સફારી ઓપરેટર ટ્રોપિક એર કેન્યાએ શોધ અને બચાવ કામગીરીમાં મદદ માટે બે હેલિકોપ્ટર મોકલ્યા હોવાનું જણાવ્યું છે.

કેન્યા રેડ ક્રોસની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો પણ આ કામગીરીમાં જોડાઈ છે. દુર્ગમ વિસ્તારને કારણે બચાવ ટીમોને ક્રેશ સાઇટ સુધી પહોંચવામાં પડકારોનો સામનો કરવો પડ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

હેલિકોપ્ટર કેમ ક્રેશ થયું? તપાસ શરૂ

હાલ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. હેલિકોપ્ટરની ટેક્નિકલ સ્થિતિ, ઉડાન દરમિયાનની પરિસ્થિતિ અને અન્ય સંભવિત કારણોની તપાસ બાદ જ અકસ્માત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો