રાજ્યમાં છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. ક્યારેક નકલી પોલીસ બનીને તો ક્યારે PMO અધિકારી બનીને છેતરપિંડીના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક નકલી પી. એ. ની ઘટના સામે આવી છે. જો કે આ મામલે ખુદ રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ સ્પષ્ટતા કરી છે.

ગુજરાતમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના પીએના નામે લાખ્ખોની છેતરપિંડી કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેની સામે આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી છે કે, આવા નામનો કોઈ વ્યક્તિ તેમના સંપર્કમાં ક્યારેય આવ્યો નથી.


2022માં મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની ભરતી સમયે, લોકોને ઋષિકેશ પટેલના પીએ હોવાનું અને નોકરી અપાવવાનું કહીને નોકરીવાચ્છુ ઉમેદવારો પાસેથી લાખ્ખો ઉધરાવી લીધા હતા. જાગૃત સામાજીક સંસ્થાએ કેટલાક મીડિયાનું ધ્યાન દોરતા, આ સમાચાર વહેતા થયા હતા. જે અંગેના સમાચારથી અવગત થતા, ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા થકી સ્પષ્ટતા કરી છે કે, આવા નામના કોઈ પણ વ્યક્તિ કાર્યાલયમાં પણ નથી કે સંપર્કમાં પણ નથી. આ અંગે કડક પોલીસ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.