લ્યો બોલો રાજકોટ BJPના આ નેતા કારમાં બ્લેક કાચ અને નંબર પ્લેટ વગર ફરતા હતા, પોલીસેને કરાવવું પડ્યું કાયદાનું ભાન
એક તરફ રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવા પોલીસ અધિકારી અને કર્મચારીઓને કડક સૂચન અપાયું છે, ટુ વ્હીલરમાં ત્રણ સવારી ન જવું જઈએ તેમજ કારમાં સીટ બેલ્ટ પહેરવો, કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ ચલાવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવી સહિતના નિયમોનું પાલન કરાવવા DGPએ અધિકારીઓને કડક સૂચના આપી છે. બીજી તરફ રાજકોટમાં BJP નેતાએ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર લઈ ફરતા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીઓ કારને રોકતા નેતાએ રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટના વોર્ડ નંબર 2ના યુવા BJPના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર જે કારમાં સવાર હતા, તે કારના કાચ કાળી પટ્ટી લગાવેલી હતી સાથે જ તે કારની નંબર પ્લેટ પણ નહોતી. આ કારમાં વોર્ડ નંબર 12ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ અવાડિયા પણ સવાર હતા. જેથી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન તેમને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જે બાદ રાજકોટ ટ્રાફિક પોલીસ અધિકારીઓ સાથે બીજેપી નેતાઓએ રોડ પર જ માથાકૂટ શરૂ કરી દીધી હતી અને BJP કાર્યકર્તાઓ પણ રોડ પર એકઠા થઈ ગયા હતા. ત્યારે બીજેપી નેતાઓની ટ્રાફિક ડીસીપી તેમજ એસીપી સાથે ભારે રકઝક બાદ તેમની કારને ટોઇંગ સ્ટેશને લાવ્યા બાદ દંડ ભરીને કારને છોડવામાં આવી હતી.
કિસાન પરા ચોકમાં ટ્રાફિક ડીસીપી પોતે હાજર હતા. ત્યારે આ ઘટના ઘટતા ભાજપના કાર્યકરોએ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ પર પણ સ્થળ પર દંડ લેવા માટે દબાણ કર્યું હતું, પરંતુ પોલીસે જપ્ત કરેલી કારને ટૉ કરી લીધી હતી. ટ્રાફિક ACPએ ભાજપના કાર્યકરોની વિનંતી પર સ્પષ્ટ કરી દીધું હતું કે, નિયમો દરેક માટે સમાન છે.







