18 મી લોકસભાનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન વિપક્ષનેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુ પર આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. ત્યારે મંગળવારે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા  20થી 25 લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. આ સાથે ટોળા દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી પણ લગાવવામાં આવી હતી.

અમદાવાદ ખાતે આવેલ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો રોષ સાથે પહોંચી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. તેમજ વહેલી સવારે વી.એસ. હોસ્પિટલ પાસે આવેલા GPCC ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા હતા.પોલીસને જાણ થતાં કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  કોંગ્રેસ કાર્યાલય પર એક એક નેતાઓ આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

જાણો શું છે મામલો
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવાર, 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે ભગવાન શિવનો ફોટો બતાવીને ભાષણની શરૂઆત કરી હતી. 90 મિનિટના ભાષણમાં રાહુલે હિન્દુત્વ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, અયોધ્યા અને મોદીનો ડર જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.

જાણો શું કહ્યું કોંગ્રેસ પ્રવક્તાએ
રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ સંસદમાં જે નિવેદન આપ્યું હતું તેમાં કહ્યું હતું હિન્દુઓ હુમલાખોર હોતા નથી. હિન્દુઓ હંમેશા સહિષ્ણુ હોય છે. ભગવાન શંકરને પહેલી વખત સંસદમાં લઈને ગયું હોય અને આરાધના કરી હોય તે રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમે નકલી હિંદુઓ છો અને તમે અમને સર્ટિફિકેટ ન આપી શકો. કાયર લોકો હિંસા કરે છે.

બજરંગદળ પર સાધ્યું નિશાન
કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે, બજરંગ દળના કાર્યકર્તાઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. અડધી રાત્રે 4 વાગે ચોકીદાર હતા અને ચોકીદારના ધર્મપત્ની અને દીકરા પર હુમલો થયો છે. ચોકીદારની દીકરી સગર્ભા છે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો છે. આવા કાયરતા પૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે. આજે પ્રદેશ પ્રમુખ જોડે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરીશું.

મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળના ગુંડાઓને કહેવા માગું છું દિવસે આવો હથિયારો લઈને આવો અમે ઉભા છીએ. અમારી પાસે સત્ય અને અહિંસાના હથિયારો છે. આ પ્રકારનો કાયરતા પૂર્ણ હુમલો કરીને રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે. અમારા ઘરમાં પણ પૂજા સાથે તુલસી ક્યારે દીવા કરીએ છીએ. અમે હિન્દુ છીએ મહેરબાની કરીને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાયર લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી.