લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયેલો છે. નેતાઓના ચૂંટણી લક્ષી પ્રવાસો સતત વધી રહ્યા છે.  આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે પહેલા દિવસની મુલાકાતમાં PM મોદીએ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગુજરાત ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ હિંમતનગરમાં જાહેરસભા સંબોધી હતી.

સાબરકાંઠામાં પોતાના સંબોધન દરમિયાન pm મોદીએ કહ્યું કે, મારો સાબરકાંઠા સાથે ઘણો જૂનો સંબંધ છે, પેઢીઓ બદલાઈ ગઈ, છતાં તેમનો મારા પ્રત્યેનો પ્રેમ હજુ એમનો એમ જ છે. તમારા આશીર્વાદના કારણે મને તમારા પર ખૂબ ભરોસો છે. કદાચ વિશ્વના લોકો મને વડાપ્રધાન તરીકે ઓળખતા હશે, પરંતુ દેશ માટે હું માત્ર સેવક છું.

હું દેશવાસીઓ માટે સેવાનું વ્રત લઈને નીકળ્યો છું. હું અહીં અનેકવાર આવ્યો છું, પણ હું આજે તમારી પાસે કંઈ માંગવા માટે આવ્યો છું. દેશ ચલાવવા મને સાબરકાંઠા પણ જોઈએ અને મહેસાણા પણ જોઈએ. મને ખાતરી છે કે, તમે બધા સાતમી તારીખે અભૂતપૂર્વ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશો.

કોંગ્રેસ પર કર્યા પ્રહારો
આ સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પણ જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના લોકો દેશની પ્રજાને ડરાવતા હતા, તેઓ કહેતા કે રામ મંદિરનું નિર્માણ થશે તો આગ લાગી જશે, પરંતુ પ્રભુ શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ અને દેશમાં તેની ખૂબ જ ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવી, શું ક્યાંક કોઈપણ લાગી નહીં? કોઈ વિવાદ થયો? કોંગ્રેસ ફક્ત મત મેળવવા માટે લોકોને ડરાવતી આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, આગ દેશમાં નહીં, પરંતુ કોંગ્રેસના દિલમાં લાગી છે, જેને કોઈપણ બુઝાવી નહીં.

પ્રધાનમંત્રીનો કાલનો કાર્યક્રમ
pm મોદી આવતી કાલે બીજી મેએ વધુ 4 સભાઓ ગજવશે. સવારે 11 કલાકે આણંદમાં જનસભાને સંબોધિત કરશે.જ્યારે બપોરે એક વાગ્યે સુરેન્દ્રનગરમાં ચૂંટણી જનસભા સંબોધિત કરશે. તો બપોરે સાડા ત્રણ વાગ્યે જૂનાગઢ અને સાંજે પાંચ વાગ્યે જામનગરમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.