અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર થયેલ હુમલા અને વિવિધ દુર્ઘટનાને લઈ આજે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે. વિપક્ષ નેતા બન્યા બાદ રાહુલ ગાંધી પહેલી વખત અને વર્ષ 2009 બાદ એટલે 15 વર્ષ બાદ રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા છે. રાહુલ ગાંધી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેને કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં જીતશે અને ગુજરાતમાંથી જ નવી કોંગ્રેસ પાર્ટી બનશે
અમદાવાદ રાજીવ ગાંધીભાવન ખાતે આવેલ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તમે કોંગ્રેસ પાર્ટીને જાણો છો… જાણો છોને? આપણી પાર્ટીમાં કોઈ ડરે છે? આપણી પાર્ટીમાં દિલથી વાત કરી દે છે. મારા રૂમમાં આવીને લોકો કહે છે કે, રાહુલજી તમે જે કર્યું એ બરાબર નથી કર્યું એટલે હું કહું છું કે, તમે સાચું કહો છો. અમારાથી કાર્યકર ડરતો નથી. હું રિયાલિટી બતાવું છું. ભાજપમાં નરેન્દ્ર મોદી બેઠા છે અને તેની સામે તેમની આખી ટીમ બેઠી છે. તેમાંથી કોઈ નરેન્દ્ર મોદીને ઇચ્છતા નથી. પરંતુ દમ નથી, ડરે છે. જો નરેન્દ્ર મોદી જેવો લીડર કોંગ્રેસમાં હોત તો આખી કોંગ્રેસ પાર્ટી ઉભી થઈ જાય અને કહી દે હટો અહીંથી, એમના કાર્યકરોમાં દમ જ નથી. તમે જોવોને એક વ્યક્તિ ઉભો છે અને બધાની હવા નીકળી ગઈ. કાર્યકરોની હવા નીકળી ગઈ, આરએસએસની હવા નીકળી ગઈ. તમામ નેતાઓની હવા નીકળી ગઈ.
જે રીતે તેણે આપણી ઓફિસ તોડી એ રીતે આપડે તેની સરકાર તોડીશું
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આપણો નાનામા નાનો કાર્યકર આવે તો ટાઇગર હોય છે અને રાહુલ ગાંધી સામે આવીને કહે છે કે, અમારા દિલમાં આ વાત છે. આ છે કોંગ્રેસ પાર્ટી. આરએસએસ વાળા અંગ્રેજો સાથે ઉભા રહી ગયા હતા અમે લડ્યા હતા. દેશને અમે કહ્યું હતું કે, ડરો નહીં અને ભાજપ વાળાએ હાથ જોડી કહ્યું હતું ભાઈ અમે ડરી ગયા. ડરની ભાવના તમારામાં નહીં એમનામાં છે. કોંગ્રેસ ગુજરાતમાં જીતશે અને ગુજરાતમાંથી જ નવી કોંગ્રેસ પાર્ટી બનશે. કોંગ્રેસ પાર્ટી બની ક્યાંથી? આપણા સૌથી મોટા નેતા જેમણે રસ્તો બતાવ્યો હતો. તમે શું વિચારો છો અંગ્રેજો હતા ત્યારે ડર નહોતો. તે સમયે ગુજરાતના મહાત્મા ગાંધીએ દેશને કહ્યું કે ડરો નહીં, ડરાઓ નહીં. આજે કોંગ્રેસ પાર્ટી છે તો તે વિચારધારા ગુજરાતથી શરૂ થઈ હતી, એટલે જ્યારે તેમણે અમારી ઓફિસ તોડી ત્યારે મેં વિચાર્યું તક મળી ગઈ હવે તેને પાઠ ભણાવીશું. જેવી રીતે આપણી ઓફિસ તોડી એ રીતે જ એની સરકાર તોડવા જઈ રહ્યા છીએ.







