રાજકોટ: રાજકોટના આજીડેમ પાસેથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આજીડેમ પાસેથી નવજાત બાળક મળી આવ્યું હતું. બાળકની હાલત અંગે તપાસ કરતાં તે મૃત હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
પોલીસે સીસીટીવીના આધારે બાળકને કોણે અને કયા સંજોગોમાં ત્યજી દીધું તે અંગે તપાસ શરૂ કરી છે. સાથે જ ઘટનામાં સંડોવાયેલા વ્યક્તિ સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નવજાત બાળકને ત્યજી દેવા પાછળનું કારણ શું હતું અને આ કૃત્ય કોણે કર્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.







