અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદે રેતી ખનન અને પરિવહન સામે રેવન્યુ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ લીલીયા મામલતદારે મોડી રાત્રે પુતળિયા ગામ નજીક દરોડો પાડી રેતીચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી હતી.
માહિતી મુજબ, શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ભરીને નીકળતા ડમ્પરોનો રેવન્યુ વિભાગની ટીમોએ ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. લાંબી ચેઝ બાદ એક રેતી ભરેલું ડમ્પર ઝડપી લેવામાં આવ્યું હતું. જ્યારે અન્ય ચાર ડમ્પરના ચાલકોએ રેતી રસ્તામાં ખાલી કરીને સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો.
મામલતદારની અલગ-અલગ ટીમોએ સતત કાર્યવાહી કરીને તમામ પાંચ ડમ્પરોને કબ્જે લીધા હતા. ઝડપાયેલા વાહનો સામે ખનિજ નિયમો અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન અને પરિવહન સામે આગામી સમયમાં પણ આવા સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે. રેતી માફિયાઓ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે જેથી કુદરતી સંપત્તિનું સંરક્ષણ થઈ શકે.







