ગુજરાત રાજ્ય સહિત ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ આ ડેમમાં 90 ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 300400 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 89.92 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 346857 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.92 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ,જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
ગુજરાતના 49 ડેમ હાઈએલર્ટ પર
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 49 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે 13 જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના 40 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત 20 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 41 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડી રહેલા સારા વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. સતલાસણા ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે. જો કે, ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટના કારણે ધરોઈ ડેમ હજુ 40 ટકા જ ભરાયો છે.. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલી વાર 135.61 મીટર પર પહોંચી છે અને આ સાથે નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે. અહીંમા રિવરબેડ પાવરહાઉસ, કેનાલ હેડ પાવરહાઉસ અને નવ દરવાજાથી પાણી નદીમાંથી છોડાઈ રહ્યું છે. તો આ તરફ ઉકાઈ ડેમના છ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 334.90 ફૂટ પર પહોંચી છે. ડેમનું રૂલ લેવર 335 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ છે.







