મોરબી જિલ્લાના મેઘપર ઝાલા ગામ ખાતે ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ જમીન માપણીને લઈને થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં કાકા-ભત્રીજાની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોની ઓળખ જયપાલસિંહ ઝાલા અને હર્ષવર્ધનસિંહ ઝાલા તરીકે થઈ છે. બંને વચ્ચે વાડી વિસ્તારમાં જમીન માપણી મુદ્દે વિવાદ સર્જાયો હતો, જે બાદ ઝઘડો હિંસક બનતાં ઘટનાએ ગંભીર વળાંક લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની ખબર ફેલાતા હોસ્પિટલ ખાતે આગેવાનો, સમાજના લોકો અને સ્વજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પગલાં લીધાં છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને હત્યાના કારણો તેમજ સંડોવાયેલા આરોપીઓ અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.