ગાંધીનગરઃ તાજેતરમાં મહેસાણામાં પાટીદાર સમાજના એક સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લવ મેરેજમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવા કાયદો લાવવા પર નિવેદન આપ્યું હતું. તે બાદથી રાજ્યમાં પ્રેમ લગ્ન પર માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવી જોઈએ કે નહીં તે વિશે ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તો કોંગ્રેસ તથા ભાજપના ધારાસભ્યો ખુલીને આ નિર્ણયની તરફેણમાં છે.
હાર્દિક પટેલ કહે છે કે,…
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ કહે છે કે, પ્રેમ લગ્ન પર કાયદો બને પોતે તેની તરફેણમાં છે. એક વીડિયોના માધ્યમથી હાર્દિક પટેલ કહી રહ્યાં છે કે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અનેક સંસ્થાઓ દ્વારા પ્રેમ લગ્નના અને લવજેહાદના જે બનાવો બની રહ્યાં છે એ બાબતની વિરુદ્ધમાં તેમના માતા-પિતાની સહમતી જરુરી હોવી જોઈએ તેવી માગ કરી રહ્યાં છે. મહેસાણામાં આ સામાજિક સંગઠનો ખુબ એક્ટિવ છે. તેમની લાગણી અને માંગણી પણ છે કે, આવા પરિવારો કે જે પ્રેમ લગ્નના કારણે તબાહ થઈ રહ્યાં છે તેને બચાવવા માટે કાયદો હોવો જોઈએ. એટલા માટે જ એક સામાજિક સંગઠનમાં મુખ્યમંત્રી પટેલે પણ કાયદાને કોઈ અડચણ ઉભી ન થાય અને એવો કાયદો બનાવવામાં આવે છોકરો કે છોકરી બંનેને પ્રેમ લગ્ન કરવા હોય કે કોર્ટ મેરેજ કરવા હોય તો બંનેના માતા-પિતામાંથી કોઈ એકના માતાપિતાની સહમતી હોવી જોઈએ તો જ એ લગ્ન વેલીડ ગણાય તેની ચર્ચા માટે મુખ્યમંત્રીએ ચર્ચા કરવાની વાત કરી છે. હું પણ આ વાત સાથે સહમત છુ કે આ પ્રકારનો કાયદો ઘડવો જોઈએ.
‘આ કાયદાથી પરિવારોને બચાવી શકાશે’
આ સાથે હાર્દિક પટેલ કહે છે કે, ઘણા એવા દાખલા બનતા હોય છે કે, બાપ પોતાની પાઘડી ઉતારીને દિકરીને આજીજી કરતો હોય છે કે બેટા પાછી આવી જા આપણા પરિવારનું નામ ખરાબ થાય છે છતાં પણ દિકરીઓ આવતી નથી. તો ઘણા એવા કિસ્સાઓ પણ આવતા હોય છે જેમાં છોકરાઓ ફસાતા હોય છે. જેમ કે લગ્ન પછી છોકરી 376ની કે દુષ્કર્મની ફરિયાદ કરી પૈસા પણ ઉઘરાવતી હોય છે. તો આવા જ્યારે બનાવ બને ત્યારે રાજ્ય સરકાર માઈબાપ હોય છે. રાજ્ય સરકારની જવાબદારી હોય છે કે આવા પરિવારો અને દિકરા દિકરીઓને સંરક્ષણ મળે. આવો કાયદો આવશે તો હું માને છુ કે આવો કાયદો આવશે તો ઘણા પરિવારોને અને દિકરા-દિકરીઓને બચાવી શકાશે. ગઈ વિધાનસભામાં પણ વિપક્ષના ઘણા નેતાઓએ પણ આ બાબતે વાત કરી હતી. તો મને એવું લાગે છે કે રાજ્ય સરકાર કાયદાને અને બંધારણને કોઈ નુકસાન ન થાય તેવી રીતે પગલા લેશે.
લવ જેહાદ પર હાર્દિકે શું કહ્યું ?
લવ જેહાદના કિસ્સાઓના કારણે આ કાયદો બનાવવામાં આવશે તેવા સવાલમાં જવાબ આપતા કહ્યું કે ના લવજેહાદ પર તો મજબૂત કાયદો તો આપણે બનાવી ચૂક્યા છીએ. અને 10 વર્ષની સજા પણ આપીએ છીએ. આ કાયદો લવજેહાદના કાયદાથી બિલકૂલ અલગ છે. જો સહમતીથી પ્રેમ સાથે લગ્ન થતા હોય તો પરિવારનું સુખ જીવન લાંબો સમય ચાલશે. અને છુટાછેડાના બનાવ ઓછા બનશે.
કોંગ્રેસના નેતાઓનું સરકારને સમર્થન
તો બીજી તરફ કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલા સરકારના આ નિર્ણયના સમર્થનમાં આવ્યા છે અને તેમણે ટ્વીટ કરીને આ વિધાનસભામાં જો આ બિલ આવશે તો તેને સમર્થન આપવાની વાત કરી છે.
1.ગુજરાતમાં પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી ફરજિયાત
બનાવવામાં આવે આજના સમય ની તાતી જરૂરિયાત છે કેમ કે, 18-20 વર્ષ સુધી માતા પિતા દીકરી ને ઉછેરે અને પ્રેમમાં પાગલ યુવતી કોઈ પણ બેરોજગાર, કોઈ પણ વ્યસની, કોઈ પણ નાપસંદ યુવક સાથે લગ્ન કરી જિંદગી બરબાદ કરે છે.@Bhupendrapbjp @Gyasuddin_INC pic.twitter.com/qyOkhJZUWI— Imran Khedawala (@Imran_khedawala) July 31, 2023
ગેનીબેન તો કહે જ છે કે,…
બીજી તરફ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ મહિલા નેતા ગેનીબેન ઠાકોર પણ પ્રેમ લગ્નને લઈને અવાર-નવાર આકરા પાણીએ થઈ ચૂક્યા છે. દિકરીઓને અપાતી છૂટને લઈને પણ તેમના નિવેદનો સામે આવી ચૂક્યા છે. તેઓ પણ પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહી હોવી જોઈએ એ મુદ્દે સરકારને સમર્થન આપી રહ્યાં છે.
જય વસાવડા કેમ કરી રહ્યાં છે વિરોધ ?
તો બીજી તફર આ જ મુદ્દા પર જાણીતા લેખક જય વસાવડાએ વિરોધ વ્યક્ત કર્યો છે.એક ટ્વિટ તેમણે કર્યું જેમાં તેઓ લખી રહ્યાં છે કે,એવા સમાચાર વાંચ્યા કે પ્રેમ લગ્ન કરવા માટે માતા પિતાની સંમતિ ફરજિયાત એવી માંગ ગુજરાતમાં ઉઠતા સરકાર પણ એના પર વિચાર કરી રહી છે. સરકારની ખબર નથી પણ આવી માંગ કરનારા તાલિબાની કોપીકેટ હોય છે ખરા. સારું છે આવા વાહિયાત ને હાસ્યાસ્પદ સંકુચિતો ભારતમાં પહેલા નહોતા. બાકી દક્ષ પ્રજાપતિના મંદિર બનાવીને મહાદેવનો વિરોધ કરી દેતા હોત ને શ્રીકૃષ્ણના પટરાણી રુક્મિણીને અમાન્ય ઠરાવવા બેસતા હોત પુખ્ત વયના સંતાનો મા-બાપની ખરીદેલી મિલકત નથી એ વાત આવા જડસૂઓ સમજતા નથી. બીજુ શું લખ્યું છે જુઓ આ ટ્વિટ..
એવા સમાચાર વાંચ્યા કે પ્રેમ લગ્ન કરવા માટે માતા પિતાની સંમતિ ફરજિયાત એવી માંગ ગુજરાતમાં ઉઠતા સરકાર પણ એના પર વિચાર કરી રહી છે. સરકારની ખબર નથી પણ આવી માંગ કરનારા તાલિબાની કોપીકેટ હોય છે ખરા. સારું છે આવા વાહિયાત ને હાસ્યાસ્પદ સંકુચિતો ભારતમાં પહેલા નહોતા. બાકી દક્ષ પ્રજાપતિના…
— jay vasavada JV (@jayvasavada) July 31, 2023
તમે શું માનો છો કાયદો હોવો જોઈએ..?
પ્રેમ લગ્ન કરવા માટે યુવક કે યુવતીના બંનેમાંથી કોઈ એકના માતા પિતાની સહમતી હોવી જોઈએ તેવો કાયદો બનાવવા માટે રાજ્યના અલગ અલગ સંસ્થાનો અને સમાજો માંગ કરી રહ્યાં છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મહેસાણામાં એક કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે કાયદા અને બંધારણને કોઈ હાની ન પહોંચે એવી રીતે આ કાયદો બનાવવા ચર્ચા કરવામાં આવશે. આપ શું માનો છો. પ્રેમ લગ્ન કરવા માટે કાયદો હોવો જોઈએ કે નહીં. ?







