રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં માદક પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી યથાવત્ છે. ધોરાજીમાં રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ અને બે મહિલાઓને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, જામકંડોરણા રોડ પર બંસીધર પેકેજીંગ નજીક SOGની ટીમે રેડ કરી હતી. આ દરમિયાન સફેદ રંગની અર્ટિગા કાર નંબર GJ-25-BA-7861ને રોકી તપાસ કરવામાં આવી હતી.

કારમાંથી 964 ગ્રામ ગાંજો મળી આવ્યો

પોલીસ તપાસ દરમિયાન કારમાં બેઠેલી એક મહિલાના ખોળામાં રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી 964 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. સ્થળ પર FSLના અધિકારી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં પદાર્થ ગાંજો હોવાનું પ્રાથમિક રીતે પુષ્ટિ થયાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ કેસમાં પોલીસે મકસુદ મોહમદ ગરાણા, હવાબાઇ ઉર્ફે નજમા ગરાણા અને રૂમાના યુસુફભાઈ ગુદ્દાને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ મકસુદ અને હવાબાઇ ધોરાજીના રહેવાસી છે, જ્યારે રૂમાના ઉપલેટાની રહેવાસી છે.

રૂ.5.98 લાખનો મુદ્દામાલ કબજે

SOGની કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન, જેમાં એપલ આઈફોન અને રેડમીનો સમાવેશ થાય છે, તેમજ આધારકાર્ડ કબજે કર્યા હતા. આ ઉપરાંત ગાંજાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી હોવાનું જણાવાતી અર્ટિગા કાર પણ જપ્ત કરવામાં આવી છે.

પોલીસે કુલ રૂ.5,98,200નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમાં રૂ.48,200ની કિંમતનો ગાંજો, બે મોબાઈલ ફોન અને આશરે રૂ.5 લાખની અર્ટિગા કાર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

ગઢડાથી ગાંજો લાવ્યાની કબૂલાત

પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ આ ગાંજાનો જથ્થો બોટાદ જિલ્લાના ગઢડા ખાતે રહેતા સાજીદ ઉર્ફે ભીખો બોબલભાઈ તરકવાડીયા પાસેથી ભાગીદારીમાં વેચાણ કરવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે.

આ માહિતીના આધારે પોલીસે સાજીદ ઉર્ફે ભીખો તરકવાડીયાને વોન્ટેડ જાહેર કર્યો છે. હવે પોલીસ તેની શોધખોળ સાથે ગાંજાના સપ્લાય પાછળનું નેટવર્ક શોધવાની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

સમગ્ર મામલે પોલીસે ઝડપાયેલા ત્રણેય સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ધોરાજીમાં થયેલી આ કાર્યવાહી બાદ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્વોમાં ચકચાર મચી છે. પોલીસ હવે વોન્ટેડ સપ્લાયર સુધી પહોંચવા ઉપરાંત સમગ્ર સપ્લાય ચેઇન અંગે વધુ વિગતો મેળવવા તપાસ કરી રહી છે.