સાગર સોલંકી, સુરત: સુરત શહેરમાં દિવસ દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતી કથિત આંતરરાજ્ય ગેંગ સામે ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે મહારાષ્ટ્રના અંબરનાથથી અજયસિંહ વિક્રમસિંહ ઠાકુર નામના આરોપીને ઝડપી પાડ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની પૂછપરછ દરમિયાન સુરતના વરાછા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી ઉપરાંત પીપલોદ વિસ્તારમાં ચોરીના પ્રયાસ અને વલસાડ-વાપી વિસ્તારમાં અગાઉ બનેલા ગુનાઓ અંગે માહિતી સામે આવી છે.

વરાછામાં બપોરના સમયે ફ્લેટમાં ચોરી

તા. 2 સપ્ટેમ્બર 2026ના રોજ વરાછા પોલીસ સ્ટેશનની હદમાં માતાવાડી-કુબેરનગર સોસાયટીના સુંદર એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા એક ફ્લેટને ચોરોએ નિશાન બનાવ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, અજાણ્યા શખ્સે બપોરના સમયે ઘરના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

ઘરમાંથી કબાટની તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 2.15 લાખની ચોરી થઈ હતી. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ટેકનિકલ સર્વેલન્સથી આરોપી સુધી પહોંચી પોલીસ

સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓને ડિટેક્ટ કરવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે વરાછા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી મહારાષ્ટ્રના અંબરનાથ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી.

માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી અને અંબરનાથ વેસ્ટમાં બિગ સિનેમા નજીકથી અજયસિંહ વિક્રમસિંહ ઠાકુરને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને સુરત લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ચાર લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા હોવાનો પોલીસનો દાવો

પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન આરોપીએ કથિત રીતે જણાવ્યું કે ગેંગના મુખ્ય સૂત્રધાર ત્રિલોક ઉર્ફે રાહુલ મોહનસિંહ ભાટીયાના આયોજન મુજબ ચાર લોકો મહારાષ્ટ્રથી સુરત આવ્યા હતા.

આ ગેંગમાં અજયસિંહ ઠાકુર ઉપરાંત ત્રિલોક ઉર્ફે રાહુલ મોહનસિંહ ભાટીયા, અફઝલ સોહરાબ ચૌધરી અને ફારૂક યુસુફ શેખ ઉર્ફે કાલા ગુડુડુનો સમાવેશ થતો હોવાનો પોલીસનો દાવો છે.

પોલીસ તપાસ મુજબ, ગેંગના સભ્યો સુરતમાં હોટલમાં રોકાયા હતા અને ત્યારબાદ ચોરી માટે અલગ-અલગ વિસ્તારોમાં ફર્યા હતા.

કુબેરનગર બાદ પીપલોદમાં પણ ચોરીનો પ્રયાસ

પોલીસના જણાવ્યા પ્રમાણે, અજયસિંહ અને રાહુલ ઉર્ફે ત્રિલોક એક એક્ટિવા લઈને વરાછાના કુબેરનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં એક ફ્લેટમાં પ્રવેશ કરીને ઘરફોડ ચોરી કરાઈ હોવાનો આરોપ છે.

ત્યારબાદ બંને પીપલોદ વિસ્તારમાં આવેલા આવાસમાં બંધ ફ્લેટને નિશાન બનાવવા ગયા હતા. જોકે ત્યાંથી કોઈ વસ્તુ મળી ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ ઉપરાંત ઘોડદોડ રોડ, પાલ ગૌરવપથ રોડ અને પાલનપુર સહિતના વિસ્તારોમાં બંધ મકાનોની રેકી કરવામાં આવી હોવાનો પણ પોલીસનો દાવો છે. આસપાસના મકાનોમાં લોકો હાજર હોવાથી અન્ય ચોરી કરી શકાઈ ન હોવાનું પૂછપરછમાં સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

વલસાડ-વાપીમાં પણ ચોરીના ગુનાઓની કબૂલાતનો દાવો

ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર, આરોપીએ આશરે દોઢ મહિના અગાઉ વલસાડ-વાપી વિસ્તારમાં એક બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હોવાની અને એક એક્ટિવા મોપેડ ચોરી કરી હોવાની પણ કથિત કબૂલાત કરી છે.

પોલીસ હવે આ તમામ દાવાઓની વધુ તપાસ કરી રહી છે અને અન્ય ગુનાઓ સાથે આરોપીની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગેંગનો મુખ્ય સૂત્રધાર અને અન્ય સભ્યો સામે ગુનાહિત ઇતિહાસ

પોલીસે ગેંગના કેટલાક સભ્યો સામે અગાઉ નોંધાયેલા ગુનાઓની વિગતો પણ જાહેર કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય સૂત્રધાર ત્રિલોક ઉર્ફે રાહુલ મોહનસિંહ ભાટીયા સામે અમદાવાદ, વલસાડ, વાપી અને સુરતના વિસ્તારોમાં ઘરફોડ ચોરી સહિતના અગાઉના ગુનાઓ નોંધાયેલા છે.

અન્ય આરોપી અફઝલ સોહરાબ ચૌધરી સામે મુંબઈના કલવા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ફારૂક યુસુફ શેખ ઉર્ફે કાલા ગુડુડુ સામે પણ મુંબઈના મુલુંડ અને ભાંડુપ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી પોલીસે આપી છે.

દિવસ દરમિયાન બંધ મકાનોને બનાવતા નિશાન

પોલીસે ગેંગની કથિત ગુનાહિત પદ્ધતિ અંગે પણ વિગતો જાહેર કરી છે. આ ગેંગ બપોરના સમયે વધુ સક્રિય રહેતી હોવાનો પોલીસનો દાવો છે, કારણ કે આ સમયે લોકો સામાન્ય રીતે નોકરી, ધંધા અથવા અન્ય કામ માટે ઘરની બહાર હોય છે.

ચોરી કરતા પહેલાં ગેંગના સભ્યો વિસ્તારની રેકી કરતા અને લાંબા સમયથી બંધ અથવા ઓછી અવરજવરવાળા મકાનો શોધતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ચોરી બાદ અલગ-અલગ શહેરોમાં સ્થળ બદલીને ફરતા હોવાને કારણે પોલીસથી બચવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો પણ પોલીસનો દાવો છે.

કેસમાં આગળની તપાસ

સુરત ક્રાઈમ બ્રાંચે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે વરાછા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. ગેંગના અન્ય સભ્યો, ચોરીનો મુદ્દામાલ અને અન્ય શહેરોમાં બનેલા સંભવિત ગુનાઓ અંગે વધુ તપાસ ચાલુ છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો