સાગર સોલંકી, સુરત સુરતના ફૂલપાડા વિસ્તારમાં આવેલા બ્રાહ્મણ ફળિયામાં ગણેશ ઉત્સવ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ગુપ્તેશ્વર યુવક મંડળ દ્વારા 108 દિવડાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીમાં ફળિયાના રહીશો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

108 દિવડાની આરતી દરમિયાન સમગ્ર પરિસર દીવડાઓના દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. સાથે જ ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગણપતિ સ્તુતિ

મહાઆરતીના પ્રસંગે બ્રાહ્મણ ફળિયાના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ગણપતિ સ્તુતિ અને ગણેશ શ્લોકના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભક્તિભાવપૂર્વક ગણપતિ દાદાની આરતી કરવામાં આવી હતી.

ધાર્મિક વિધિ અને 108 દિવડાની મહાઆરતીના કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

PI ગોહિલ અને કોર્પોરેટર મહેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ

આ ધાર્મિક કાર્યક્રમમાં કતારગામ પોલીસ સ્ટેશનના PI ગોહિલ તેમજ સ્થાનિક કોર્પોરેટર મહેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુપ્તેશ્વર યુવક મંડળ દ્વારા બંને મહાનુભાવનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવોએ ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુપ્તેશ્વર યુવક મંડળના સભ્યો અને સ્થાનિક આગેવાનોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.

ફૂલપાડા બ્રાહ્મણ ફળિયામાં યોજાયેલી આ 108 દિવડાની મહાઆરતી દરમિયાન ધાર્મિક એકતા અને ભક્તિનો સુંદર માહોલ જોવા મળ્યો હતો.