અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે પણ તમારા બાળકને લિફ્ટમાં એકતા મોકલતાં હોવ તો ચેતી જજો. અમદાવાદમાં બનેલી ઘટનાથી બાળકને લિફ્ટમાં મોકલતા પહેલા 100 વખત વિચાર આવશે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા વસંત વિહાર-2 ફ્લેટમાં લિફ્ટમાં ફસાય જવાથી 6 વર્ષના બાળકનું મોત થયું છે. રમતા રમતા બાળક લિફ્ટમાં જતો રહ્યો હતો. ત્યારે અચાનક લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી. આ દરમિયાન બાળક ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે ફસાઈ ગયો હતો.
લિફ્ટમાં ફસાઈ જવાથી 6 વર્ષના બાળકનું મોત થયુ છે. શાહીબાગમાં આવેલા વસંત વિહાર બિલ્ડીંગના સી બ્લોકમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે લિફ્ટમાં બાળકનું શરીર લટક્તુ રહ્યુ હતુ. ફાયર બ્રિગેડને કોલ મળતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રેસક્યુ કામગીરી કરવામાં આવી હતી. જો કે બાળકનું માથુ લિફ્ટમાં છુંદાતા મોત નિપજ્યુ હતુ.
જાણો શું કહ્યું 108ની ટીમે
108ની ટીમે જણાવ્યું કે જ્યારે તેઓ આ ફ્લેટમાં પહોંચ્યા તો બાળક ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે ફસાયેલો હતો. તેનું માથુ પ્રથમ માળે અને શરીર ગ્રાઉન્ડ ફ્લોર પર હતું. માથામાં ઈજા થતાં બાળક લોહીલુહાણ થઈ ગયું હતું. ત્યાં તપાસ કરતા તેના ધબકારા બંધ જોવા મળ્યા હતા. ત્યારબાદ બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત થયું હતું
બાળકના મોતથી પરિવારમાં માતમ
બાળકનું નામ આર્ય કોઠારી હોવાનું સામે આવ્યુ છે. લિફ્ટમાં ફસાઈ જતા બાળકે બુમાબુમ કરતા સ્થાનિકોને જાણ થઈ હતી. જો કે બાળક બચી શક્યો ન હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. દિવાળીનો તહેવાર સમયે જ આ દુર્ઘટના સર્જાતા બાળકને ગુમાવનાર પરિવારમાં માતમ છવાયો છે. માસુમના મોતથી સમગ્ર વસંત વિહારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે અને તહેવારનો માહોલ શોકમાં પરિણમ્યો છે.







