રાજનીતિમાં શામ-દામ-દંડ અને ભેદ કોઈપણ ભોગે ધાર્યુ કામ પાર પાડવાનો રિવાજ આજનો નહીં પણ વર્ષોથી ચાલ્યો આવે છે.ધર્મના નામે હોય કે પછી સમાજ અને જનતાને ઠાલા વચનો આપવાના હોય રાજકારણીઓ પોતાના ઈરાદાઓને પાર પાડવા માટે કોઈપણ નીતિ અપનાવતા ખચકાતા નથી. આજકાલ બીજા ધર્મના લોકોને પરાણે જય શ્રી રામ બોલાવવાનો ટ્રેન્ડ માર્કેટમાં ચાલે છે. આ જબરદસ્તી રામ બોલાવવાના ટ્રેન્ડ પર ખ્યાતનામ કથાવાચક મોરારી બાપૂએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, નારાઓ બોલાવવાથી કઈ નથી થાતુ. લોકો તેને મંત્ર સમજે છે પણ જય શ્રી રામ એ પવિત્ર ઉદ્ધોષ છે. જેનો શુદ્ધ ઉપયોગ થવો જોઈએ.
શું મોદી સરકાર બાપૂના રિપોર્ટ કાર્ડમાં નાપાસ
જાણીતા કથાકાર મોરારી બાપૂએ મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ પણ બહાર પાડ્યું છે. એબીપી ન્યૂઝને મોરારી બાપૂએ એક ઈન્ટરવ્યુ આપ્યુ છે જેમાં અનેક સવાલોના જવાબ તેમણે આપ્યા છે. મોદી સરકારનો રિપોર્ટ આપતા તેમણે કહ્યું કે તેઓ વર્તમાન સરકારને 100માંથી 30 નંબર આપે છે. અર્થાત પાર્સિંગ માર્ક્સ 35 હોય છે તે પણ તેમણે આ સરકારને નથી આપ્યા. આ સાથે તેમણે રાજધર્મ અને બંધારણ પરના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા.
રાજધર્મમાં સાધુનો અભિપ્રાય જરુરી છે
રાજધર્મના પ્રશ્ન પર મોરારીબાપૂએ કહ્યું કે, રામચરિત માનસમાં રાજધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજકારણ અને રાજધર્મ અલગ છે. રાજકારણમાં મતભેદો, ભાવો, સજાઓ હોય છે. જ્યારે રાજધર્મમાં આમાથી કંઈ જ આવતુ નથી. રાજધર્મ એ છે કે, જેમાં પહેલા ઋષિનો અભિપ્રાય લેવામાં આવે, પછી લોકોના અભિપ્રાય લેવામાં આવે, જો આપણે સાનતનના અનુયાયી હોઈએ તો વેદોનો અભિપ્રાય હોવો જોઈએ. રામાયણ અને મહાભારતમાંથી પણ અભિપ્રાય લઈ શકાય છે. જો આ રીતે રાજ ચાલે તો તેને રાજધર્મ કહેવાય છે.
રામને રાજનીતિમાં સાધન બનાવાયુ
ભગવાન રામ અને હનુમાનજી પર પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં મોરારી બાપૂએ કહ્યું કે, ‘રામ આત્મ તત્વ છે અને હનુમાનજી વાયુ તત્વ છે. બંને તત્વોની માણસોને જરૂર હોય છે. આત્મા પણ જરૂરી છે અને શ્વાસ લેવા માટે વાયુ પણ જરૂરી છે. પરંતુ હું સ્પષ્ટપણે કહેવા ઈચ્છું છું કે તે સાધ્ય છે, સાધન નથી. રામને સાધન બનાવવામાં આવી રહ્યું છે.’
‘રામના નામનો ઉપયોગ રાજનીતિ માટે ન હોવો જોઈએ’
મોરારી બાપૂએ કહ્યું કે,’ હનુમાનજી સીતાજીની શોધમાં લંકામાં મંદિરે-મંદિરે ગયાં હતાં પરંતુ આજે કેટલાક લોકો સત્તાની શોધ માટે મંદિર જાયે છે.’ રામનાં નામ પર રાજનીતિ અને વોટ માંગવાનાં સવાલ પર બાપૂએ કહ્યું કે,’ રામનો આ રીતે ઉપયોગ ન કરવો જોઈએ. રામનાં નામનો ઉપયોગ પોતાના હિત માટે ન કરવો જોઈએ. હું જોઈ રહ્યો છું કે કેટલાક ક્ષેત્ર એવા છે જે રામનો ઉપયોગ કરીને કંઈક મેળવવા ઈચ્છે છે, જે યોગ્ય નથી.’







