અમદાવાદ: એક તરફ સરકાર નશાખોરો સામે લાલ આંખ કરી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં નશાખોરીને લઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે અને આ પ્રકારની પ્રવૃતિ કરતા કોઈ જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી થશે તેવી વાતો કરવામા આવી રહી છે. aઅ દરમિયાન સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્પોરેશન સંચાલિત નર્સરીઓમાંથી ગાંજાના છોડ મળી આવતા આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળ્યા બાદ હવે રિવરફ્રન્ટ પર AMC હાઉસ તરીકે ઓળખાતી બિલ્ડિંગના ગાર્ડનમાં ગાંજાના 6 ફૂટ ઊંચા છોડ મળી આવતા હડકંપ મચી ગયો છે.
અમદાવાદમાં હજુ ગુજરાત યુનિવર્સિટી રિવરફ્રન્ટ પર VIP ગાર્ડનમાં ગાંજાના છોડ મળી આવતા મોટો વિવાદ થયો હતો. વિવાદને પગલે અધિકારીઓ દોડતા થયા હતા અને છોડને ઉખાડીને ફેંકી દેવામાં આવ્યો હતો. જોકે થોડીવાર બાદ ગાર્ડનની બહારથી પણ ગાંજાનો છોડ મળી આવ્યો હતો. ગાર્ડનમાં ગાંજાના છોડ કેવી રીતે ઉગ્યા અને તેનું વાવેતર કોણે કર્યું તેની તપાસ કરવાના બદલે કંઈ બન્યું જ ન હોય એમ છોડી ઉખાડીને ફેંકીને પુરાવાનો જ નાશ કરી દેવામાં આવ્યો. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ગાંજો ઊગી આવ્યો કે પછી ઉગાડવામાં આવ્યો હતો? કેમ પુરાવાનો નાશ કરવામાં આવ્યો.
ઉઠયા સવાલો
ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળ્યા બાદ હવે આ ગાંજાનો છોડ કેવી રીતે નર્સરીમાં આવ્યો ? કોઈએ આ છોડને ઉગાડ્યો કે પછી આપમેળે આ છોડ અહિયાં ઉગી નીકળ્યો છે ? છોડ એટલો મોટો થયો ત્યાં સુધી તંત્ર શું કરતું હતું? નર્સરીનું સંચાલન કરતા લોકો સામે ઉઠી રહ્યા છે. આ સાથે જાહેરમાં ઉગી નીકળતા આવા ગાંજાના છોડનો મતલબ ખુલ્લેઆમ નશાનો ઉપયોગ તંત્રની નાક નીચે થાય છે ત્યારે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.








