અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. મુખ્યમંત્રી કાર્યક્રમ પૂર્ણ કરીને પરત જઈ રહ્યા હતા. તે દરમ્યાન છત્રાલ GIDC રોડ પાસે એક કાળા કલરની એક કાર CM ના કાફલામાં ઘુસી ગઈ હતી. જે બાબત તુરંત જ સુરક્ષા જવાનોનાં ધ્યાને આવતા તેઓએ પોલીસે કાર ચાલક મનુ રબારી નામનાં શખ્સની અટકાયત કરી હતી.
મુખ્યમંત્રીનો કાફલો પસાર થઇ રહ્યો હોય ત્યારે સામાન્ય રીતે તો પોલીસ દ્વારા તમામ ટ્રાફીક અટકાવી દેવામાં આવતો હોય છે. જો કે હાઇવે પર લોકો સમજીને જ કાફલાને પસાર થઇ જવા દેતા હોય છે. જો કે છત્રાલ પાસે એક વિચિત્ર બનાવ બન્યો હતો. જેમાં એક વ્યક્તિએ પોતાની ગાડી સીએમના કાફલામાં ઘુસાડી દીધી હતી.
જો કે સુરક્ષા કર્મચારીઓ દ્વારા આ ગાડીને સાઇડમાં કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં કોઇ અન્ય ઇરાદાથી તેણે ગાડી ઘુસાડી નહી હોવાથી સુરક્ષા જવાનોને હાશકારો થયો હતો. સ્થાનિક પોલીસને આ યુવકને સોંપી દેવાયો હતો. જેના પગલે અમદાવાદ પોલીસ દ્વારા તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.







