રાજકોટમાં રાજમાર્ગો ઉપર મણકા ભાંગી નાખતા ખાડાઓ મામલે કોંગ્રેસનો અનોખો વિરોધ, શરૂ કરી ગાંધીગીરી !

આમ તો રાજકોટમાં 8 માસ ખૂબ સારું ચિત્ર બતાવવામાં આવે છે. પરંતુ રાજકોટની સાચી હકીકત તો ચોમાસામાં જ બહાર આવે છે. રાજકોટમાં દર ચોમાસામાં અમુક સમસ્યાઓ રિપીટ થાય છે જેમાં વરસાદી પાણી ભરાવું, રોગચાળો ફાટી નીકળવો અને રસ્તા પર મસમોટા ખાડા પડવા આ સમસ્યાથી દરરોજ હજારો વાહનચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે ત્યારે લોકોની કંમરના મણકા ભાંગી નાખતા ખાડા બુરવાનો નવતર કાર્યક્રમ કોંગ્રેસે આપ્યો હતો.

ભ્રષ્ટાચારમાં ગળાડુબ સતાધિસો અને આંખે પાટા બાંધીને નિંદ્રાધીન અવસ્થામાં સુઈ ગયેલ મનપા તંત્રને ઢંઢોળવા માટે કોંગ્રેસ દ્વારા ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી સુધીના રાજમાર્ગો ઉપર પડેલા મસમોટા ખાડાઓમાં સ્વખર્ચે માટી અને કપચી નાખી ખાડા બુરવાનું કામ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટમાં આમ તો વરસાદ પડતા જ તમામ રાજમાર્ગોનું ધોવાણ થઇ જતું હોય છે ત્યારે હાલ નજીવા વરસાદથી મનપા તંત્રના પાપે અનેક રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે. આ દરમિયાન ગોંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી તરફ જતા સર્વિસ રોડ ઉપર એક એક ફૂટના ગાબડાં પડી ગયા છે. ઔદ્યોગિક વસાહત હોય દરરોજ હજારો વાહનચાલકો અહીંથી પસાર થઇ રહ્યા છે. જે લોકોને ભારે યાતના વેઠવી પડી રહી છે. મનપાના સતાધિસોના ભ્રષ્ટાચારનો ભોગ લોકોને બનવું પડી રહ્યું છે કરવેરો ભરતા હોવા છતાં લોકોને કમરના મણકા ભાંગી નાખતા આ રસ્તાઓ ઉપરથી પસાર થવા મજબુર બનવું પડ્યું છે. ત્યારે કોંગ્રેસના આ અનોખા વિરોધને દૈનિક આ રસ્તા પરથી ચાલતા વાહનચાલકોએ કોંગ્રેસની આ કામગીરીને બિરદાવી હતી અને હવે વાહન ચલાવવામાં થોડી રાહત થશે તેવું જણાવ્યું હતું.