મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે. જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે. હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું અલર્ટ આપ્યું છે. હવે એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવશે.કચ્છના 10 તાલુકાના 87 જેટલા સ્થળોએ ભયજનક સ્થળ ગણાવી પ્રવેશ કરવા બાબતે પ્રતિબંધાત્મક હુકમ કચ્છ કલેક્ટર દ્વારા ફરમાવવામાં આવ્યા છે. પ્રવાસન સ્થળોએ વ્યક્તિ કે પ્રવાસીઓએ અવર જવર ના કરવા વિશેષ તાકીદ કરાઈ છે. જાહેરનામાના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

ગુજરાત પર હાલ સંકટના વાદળો ઘેરાયેલા છે. અડધા ગુજરાતમાં હાલ પૂરની સ્થિતિ છે એવામાં વધુ એક સંકટનો ખતરો માથા પર ભમી રહ્યો છે. કચ્છ પર સાર્વત્રિક વરસાદ આજે વરસ્યો જે ડીપ ડીપ્રેશન ભૂજથી 50 કિલોમીટર દૂર હતુ તે હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં કચ્છમાં વાવાઝોડુ આવશે.અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. ભારે વરસાદ અને પુરથી પ્રભાવિત કચ્છમાં આજે પણ સાર્વત્રિક વરસાદ નોઁધાયો.. માંડવીમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ..તો મુન્દ્રામાં પણ પાંચ ઈંચની આસપાસ વરસાદ નોંધાયો છે.

બંગાળની ખાડી પર થોડા દિવસ અગાઉ એક લો પ્રેશર સર્જાયું હતું, જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું. જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચતાં આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ ગુજરાત તરફ ગતિ કરી રહ્યું હતું. ગુજરાતની ધરતી ઉપર આવીને એ વધુ મજબૂત બનતાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું, એને કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની પરિસ્થિતિ ઉદભવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં હજુ આજે પણ આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે. મહત્ત્વનું છે કે રાજ્યના પશ્ચિમ છેડે આવેલું દેવભૂમિ દ્વારકા સતત બે દિવસથી સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો બની રહ્યો છે, કારણ કે ડીપ ડિપ્રેશન કચ્છ પર સક્રિય થયું છે અને આજે વહેલી સવારે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય હતું, જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. એ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી આ ડીપ ડિપ્રેશનની અસરને પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે અને રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. ગત રોજ સુધી આ ડીપ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું હતું, પરંતુ આજની સ્થિતિ મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતાં 30 ઓગસ્ટ, 2024 સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આજે બપોરે 1:30 વાગ્યાની સ્થિતિ અનુસાર, આ ડીપ ડિપ્રેશન ભુજથી 60 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દિશા તરફ છે જ્યારે નલિયાથી ઉત્તર-પૂર્વ દિશામાં 80 કિ.મી. દૂર છે. આ ડીપ ડિપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે, જે 30 તારીખ સુધીમાં ઉત્તરપૂર્વીય અરબ સાગરમાં ભળી જશે, પરંતુ, એ પહેલાં આ ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું છે. આ ડીપ ડીપ્રેશન ભારતીય તટથી દૂર ઉત્તર-પૂર્વ-અરબ સાગર ઉપર પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ આગળ વધતાં, 30 ઓગસ્ટના રોજ ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં પોતાનું વિકારળ સ્વરૂપ બતાવશે. 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અને પાકિસ્તાનના તટ અને પૂર્વોત્તર તથા તેની આસપાસના પૂર્વ મધ્ય અરબ સાગરના વિસ્તારોમાં 55 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવવાની આશંકા છે. જેને પગલે કચ્છ અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્ય પર હજુ પણ વરસાદની સંભાવના છે. એમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં 55થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા આવતીકાલથી બે દિવસ દરમિયાન એટલે કે 30 અને 31 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 65થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે છે, આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે LC-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે એ ત્રણ સિસ્ટમને કારણે વરસી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર ઓફ શોર ટ્રફ તથા ડીપ ડિપ્રેશન, જે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગ પર સક્રિય છે, એની સાથે મોન્સૂન તરફ સંકળાયેલો છે. એને કારણે ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના દેવભૂમિ દ્વારકા અને ભાણવડ અને કચ્છના અબડાસામાં તાલુકામાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ ખાબક્યો.. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 24 કલાકમાં 10 ઈંચથી વધુ તેમજ જામનગર, કચ્છ અને પોરબંદરમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો. ચાલુ સિઝનમાં રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 109 ટકાથી વધુ વરસાદ નોંધાયો. સૌથી વધુ કચ્છ ઝોનમાં અધધ 154 ટકા કરતા પણ વધારે વરસાદ નોંધાયો.