સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ લંપટ સાધુઓની કાળી કારતૂતો સતત બહાર આવી રહી છે. જેને લઈને હરિભક્તો ગુસ્સે થયા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાતના અલગ અલગ સ્થળોથી આવેલા હરિભક્તો એકત્રિત થયા હતા. ગુજરાતમાંથી 300 જેટલા હરિભક્તોએ વિરોધ દર્શાવ્યો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોએ મંદિર પરિસરમાં લંપટ સાધુઓનો વિરોધ દર્શાવતા બેનરો લગાવ્યા હતા.

આજે સુરત, ગઢડા, રાજકોટ, મુંબઈ, અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ સહિત સ્થળોએથી હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યા હતા અને મંદિર પરિસરમાં ત્રણેય સાધુઓનો બેનરો સાથે વિરોધ કર્યો હતો. તમામ હરિભક્તોની એક જ માંગ છે કે, આવા સાધુ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને જેલ ભેગા કરવામાં આવે. આવેદનપત્ર આપવા આવેલા હરિભક્તો જ્યારે મંદિરની કોઠારી ઓફિસમાં ગયા ત્યારે કોઈ સાધુ-સંતો હાજર ન હતા જેથી ત્યાં વહીવટી કર્મચારીને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..છેલ્લે હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ ધૂન બોલાવી બેનરો અને પ્લેકાર્ડ સાથે મંદિરની પ્રદક્ષિણા ફરી મૌન રેલી યોજી હતી. જે બાદ તમામ હરિભક્તો વડતાલથી રવાના થઈ ગયા છે.

આ સમગ્ર મામલે આવેદનપત્ર પણ આપ્યું છે

જાણો શું હતો મામલો
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા જગત પાવન સ્વામી સહિત ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પીડિતા સગીર અવસ્થામાં હતી ત્યારે પરિવાર સાથે સ્વામી મંદિરે દર્શને જતા સ્વામીએ પિતાના ફોન નંબર મેળવી ગિફ્ટ આપવાના બહાને સગીરાને બોલાવી બળજબરી કરી હતી. ઉપરાંત પીડિતાને સ્વામીના વ્હોટ્સએપ ગ્રૂપમાં ન્યૂડ વીડિયો કોલ કરાવવાનો અને ન્યૂડ ફોટો આપી બીભત્સ વાતો કરાવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

7 જૂનના રોજ વડોદરાના વાડી પોલીસ મથકમાં ભોગ બનેલી યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2016માં જગત પાવન સ્વામી વડતાલ તાબાના વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી તરીકે હતા. એ સમયે તે તેના પિતા સાથે દર્શન કરવા સ્વામિનારાયણ મંદિરે જતાં જગત પાવન સ્વામીએ તેના પિતાનો ફોનનંબર મેળવી ફોન કર્યો હતો. જે ફોન પીડિતાએ ઉપાડતાં તેની સાથે વાતચીત કરી તેનો નંબર મેળવ્યો હતો. એ બાદ પીડિતા સાથે રોજ વ્હોટ્સએપના માધ્યમથી વાતચીત કરતા હતા. એમાં એક દિવસ પીડિતાને ઘડિયાળની ગિફ્ટ આપવાના બહાને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ ઘટના અંગે કોઈને કહીશ તો દવા પીને આપઘાત કરી લઈશ એવું સ્વામીએ જણાવી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.