લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજનૈતિક દબાણ વધારવાના પ્રયાસો પણ તેજ થઈ રહ્યાં છે… વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. આ બાદ સી.આર.પાટીલ સાથે બેઠકમાં સુખદ સમાધાન આવતા કેતનભાઈએ રાજીનામું પરત પણ ખેંચી લીધું.

પોલિટિકલ ડ્રામાનો સુખદ અંત

ગુજરાતમાં આજે વહેલી સવારથી ચાલી રહેલા રાજનીતિક ડ્રામાનો સુખદ અંત આવ્યો છે. સી.આર.પાટીલ સાથેની બેઠક બાદ કેતન ઈનામદાર આખરે માની ગયા છે. ગાંધીનગરમાં સી.આર.પાટીલ સાથે થયેલી બેઠક બાદ અંતે ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું છે. પાટીલે ઈનામદારને મનાવવા ગાંધીનગર બોલાવ્યા હતા. ઈનામદારની નારાજગીનું કારણ જાણવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા. આ દરમિયાન રાજીનામુ પરત ખેંચવા માટે આનાકાની પણ કરવામાં આવી પરંતુ બાદમાં પોતાના કાર્યો થશે તેવો વિશ્વાસ આવતા ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું અને આ રાજનીતિક ડ્રામાનો સુખદ અંત આવ્યો.

જાણો શું કહ્યું કેતન ઈનામદારે 

કેતન ઈનામદારે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત જણાવી હતી. કેતન ઈનામદારે કહ્યું કે, મારા વિસ્તારમાં કામ થાય એવી લાગણી છે. 2027માં હું ચુંટણી નથી લડવાનો એટલે જલ્દી કામ થાય તેવો વિશ્વાસ છે. મને સંપૂર્ણ ખાતરી અપાઈ છે અને મારા કામ થઈ જશે. આચારસંહિતા પહેલાં મારો પ્રોજેક્ટનું કામ શરૂ થાય તેવી માંગ હતી. પ્રોજેક્ટ 2027 પહેલાં પૂર્ણ થાય એમ નહોતો એટલે મારે પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચવુ પડ્યું. જૂના કાર્યકર્તાઓનુ માન સન્માન જળવાય તેમને સાથે રાખીને નિર્ણય લેવાય તેવી માંગ કરી છે. મહી વિયર યોજનાથી મને અસંતોષ હતો.

ભરતીમેળાથી બધા નારાજ છે’

ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારે કહ્યુ કે ભાજપમાં જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કચાશ રહી ગઈ છે. મેં બધી જગ્યાએ રજૂઆત કરી છે. પરંતુ પાર્ટીને સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય તેવો ભ્રમ છે. મારા માટે માન સન્માન અને આત્મસન્માનથી મોટી કોઈ વસ્તુ નથી. આ અવાજ માત્ર કેતન ઈનામદારનો નથી.ભાજપના પ્રત્યેક કાર્યકરનો આ અવાજ છે, હુ તો માત્ર નિમિત બન્યો છુ પરંતુ સત્ય એ છે કે પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે જે ના થવી જોઇએ.  હું આજે ભાજપનો કાર્યકર્તા છું. ધારાસભ્ય પદેથી આ રાજીનામુ મારા અંતરઆત્માનો અવાજ છે. માન સન્માનના ભોગે કોઈ વસ્તુ વ્યાજબી નથી.ભરતી મેળાથી માત્ર હું જ નહીં અનેક કાર્યકર્તા નારાજ છે. ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે.

ત્રીજાપક્ષને ઈનામદારે આપી હતી જોરદાર ટક્કર 

ઉલ્લેખનીય છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે આ બેઠક પર કેતન ઈનામદારને એક લાખ કરતા પણ વધુ મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 65,078 જ્યારે આપના વિજય ચાવડાને માત્ર બે હજાર જેટલા મત મળ્યા હતા. ત્યારે પોતાના વિરોધી ઉમેદવારને પક્ષમાં સ્થાન મળતા કેતન ઈનામદારમાં નારાજગી જોવા મળી હતી. આ કારણે તેમણે રાજીનામું આપ્યુ હતું.