ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના પ્રશિક્ષણ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન 2026’ અંતર્ગત યોજાયેલ આ વર્ગ 20, 21 અને 22 ઓગસ્ટ દરમિયાન જુનાગઢના પ્રેરણાધામ ખાતે યોજાયો હતો.
ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા આ અભ્યાસ વર્ગમાં અમરેલી જિલ્લા ભાજપના અપેક્ષિત શ્રેણીના આશરે 110 આગેવાનો અને હોદ્દેદારોએ ભાગ લીધો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને સમગ્ર પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા સંગઠનના વિવિધ હોદ્દેદારોની હાજરી
ત્રણ દિવસના આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં સરકારના મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યો ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ પ્રમુખો, મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ, વિવિધ મંડળોના પ્રમુખો તથા પ્રભારીઓ સહિત સંગઠનના વિવિધ સ્તરના આગેવાનો જોડાયા હતા.
મીડિયા અને સોશિયલ મીડિયા વિભાગ સાથે સંકળાયેલા આગેવાનોની પણ પ્રશિક્ષણ વર્ગમાં હાજરી રહી હતી. ભાજપની સંગઠનાત્મક કાર્યપદ્ધતિ અને પક્ષના વિચારોને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા સહિતના વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
11 વિષયો પર પ્રદેશના અગ્રણીઓનું માર્ગદર્શન
ઉદ્ઘાટનથી લઈને સમાપન સત્ર સુધીના ત્રણ દિવસ દરમિયાન કુલ 11 જેટલા વિવિધ વિષયો પર સત્રો યોજાયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના અનુભવી આગેવાનોએ પોતાના સોંપાયેલા વિષયો અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.
પ્રશિક્ષણ વર્ગમાં હર્ષદગીરી ગોસાઈ, ભરતભાઈ પંડ્યા, પ્રદીપભાઈ ખીમાણી, રાજીવભાઈ પંડ્યા, રમીલાબેન બારા, ઝવેરીભાઈ ઠકરાર, અમોહભાઈ શાહ, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, સૂરેશભાઈ માંગુકિયા, ધીરૂભાઈ ધામેલિયા અને પ્રાંજલભાઈ દેસાઈ સહિતના વક્તાઓએ વિવિધ સત્રોમાં માર્ગદર્શન આપ્યું હતું.
અમરેલી જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ તથા રાજકોટના અગ્રણી મનીષભાઈ રાડીયાની પણ પ્રશિક્ષણ વર્ગના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
સ્થાનિક ભાજપના આગેવાનો પણ જોડાયા
પ્રશિક્ષણ વર્ગ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા અને મહિલા મોરચાના મહામંત્રી ભાવનાબેન વિરપરાએ પણ હાજરી આપી હતી.
અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા, પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, પૂર્વ ધારાસભ્યો મનસુખભાઈ ભુવા અને અમરીશભાઈ ડેર સહિતના આગેવાનો પ્રશિક્ષણાર્થી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા અને અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી સહિતના આગેવાનો પણ વર્ગમાં જોડાયા હતા.
અમરેલી ભાજપના ઇતિહાસની પ્રદર્શનીનું આયોજન
પ્રશિક્ષણ વર્ગમાં અમરેલી જિલ્લા ભાજપના સંગઠન અને ઇતિહાસને રજૂ કરતી વિશેષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવી હતી. તેમાં અમરેલી જિલ્લાના સંતો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, મહાપુરુષો તેમજ મહત્વપૂર્ણ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.
ત્રણ દિવસની દિનચર્યામાં વહેલી સવારની શાખા, યોગ અને પ્રાણાયામથી લઈને પ્રશિક્ષણ સત્રો, ભોજન અને નિવાસ વ્યવસ્થા તેમજ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સમયપાલન અને શિસ્તબદ્ધ રીતે યોજાયો હતો.
આયોજનમાં કાર્યકરોની મહત્વપૂર્ણ ભૂમિકા
જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગની વ્યવસ્થામાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ મયુરભાઈ માંજરિયા, રાજુભાઈ ભૂતૈયા અને ચેતનભાઈ શિયાળ સહિતની ટીમે કામગીરી સંભાળી હતી.
વ્યવસ્થા ટીમના વિવિધ કાર્યકરોએ પણ ત્રણ દિવસ દરમિયાન જવાબદારીઓ નિભાવી હતી. સમગ્ર પ્રશિક્ષણ વર્ગનું સુચારુ સંચાલન દિવ્યેશભાઈ વેકરિયાએ કર્યું હતું. આ અંગેની માહિતી અમરેલી જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર વિપુલ ભટ્ટી દ્વારા આપવામાં આવી હતી.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







