બગસરા, રૂપેશ રૂપારેલિયા/ જવાહર નવોદય વિદ્યાલય અમરેલી ના તમામ 17 વર્ગખંડોને સ્માર્ટ ક્લાસમાં ફેરવવામાં આવેલ છે. જેને લીધે હવે શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ આધુનિક ઇન્ટરેક્ટિવ પેનલના સહયોગથી શિક્ષણ મેળવશે.

વિગત અનુસાર પી.એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલય અમરેલી દ્વારા કલેકટર કચેરી અમરેલી તેમજ જિલ્લા વહીવટી તંત્ર ના સહયોગથી શાળાના તમામ 17 વર્ગખંડો માં આધુનિક ઇન્ટરેક્ટિવ પેનલ લગાડવામાં આવેલ છે. 30 લાખના ખર્ચ દ્વારા જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ સ્માર્ટ શાળા બની ગયેલ છે. જેને લીધે હવે ચોક, ડસ્ટર કે પુસ્તક ને બદલે શિક્ષકો સ્માર્ટ ઇન્ટરેક્ટિવ પેનલ ના સહયોગથી બાળકોને શિક્ષણ આપશે.

શાળામાં સ્માર્ટ ક્લાસ તૈયાર થતાં આગામી દિવસોમાં વર્ગખંડના શિક્ષણ સાથે જી.પી.એસ.સી, યુ. પી. એસ. સી, જી, નીટ જેવી પરીક્ષાઓની તૈયારી પણ બાળકો ઉચ્ચકક્ષાના તજજ્ઞો ની મદદથી ઓનલાઈન શાળામાં બેઠા બેઠા કરાવી શકશે. આ બાબતે શાળાના આચાર્ય વિજયકુમાર બોસના જણાવ્યા અનુસાર ઇન્ટરેક્ટિવ પેનલ દ્વારા શિક્ષણ એ આજના સમયની જરૂરિયાત છે.  ઇન્ટરેક્ટિવ પેનલની મદદથી બાળકોને ચિરસ્થાયી શિક્ષણ આપી શકાય છે, તેમજ બાળકમાં રહેલ જિજ્ઞાસાવૃત્તિને પ્રોત્સાહન મળે છે. હાલના સમયની જરૂરિયાતને ધ્યાને લઈ શાળામાં સ્માર્ટ વર્ગખંડો તૈયાર થતા વાલીઓ દ્વારા પણ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.